ગંભીરા બ્રિજ દુર્ઘટનાઃ સમિતિએ શું આપ્યો પ્રાથમિક અહેવાલ? જાણો વિગત
પેટાઃ માર્ગ અને મકાન વિભાગની ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ વિસ્તૃત અહેવાલ સોંપાશે

વડોદરાઃ જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ખાતે બ્રિજ તૂટી પડવાની ઘટના સંદર્ભે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આજે સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવા આવી છે અને આ તપાસ સમિતિના પ્રાથમિક અહેવાલ મુજબ પેડેસ્ટ્રલ અને આર્ટીક્યુલેશન ક્રશ થવાના કારણે આ બ્રિજ તૂટી પડ્યો હોવાનું નોંધાયું છે.
મહિનામાં વિસ્તૃત અહેવાલ આપશે
માધ્યમો સાથે વાત કરતા રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું કે, માર્ગ અને મકાન વિભાગની આ સમિતિ દ્વારા ૩૦ દિવસમાં વિસ્તૃત અહેવાલ આપવામાં આવશે. તેના ટેકનિકલ અને વહીવટી કારણો સાથેનો તપાસ અહેવાલ મુખ્ય પ્રધાનને સોંપવામાં આવશે. બાદમાં તેના આધારે અન્ય નિર્ણયો લેવામાં આવશે.
આપણ વાંચો: દેશમાં બ્રિજ ધરાશાયી થવાનો આંકડો જાણી ચોંકી ઉઠશો, જાણો અભ્યાસની સમગ્ર વિગતો…
ગુમ લોકોની શોધખોળ અંતિમ તબક્કામાં
તેમણે ઉમેર્યું કે, પ્રાથમિક દ્રષ્ટિએ જ્યાં પણ બેદરકારી ધ્યાને આવી, એ માટેના જવાબદાર માર્ગ અને મકાન વિભાગના ચાર અધિકારીઓને રાજ્ય સરકારે ફરજ મોકૂફી હેઠળ મૂક્યા છે. હજુ પણ જે પગલાં લેવા પડશે, એ પગલાં રાજ્ય સરકાર ચોક્કસ લેશે. તેમણે જણાવ્યું કે, હાલમાં બ્રિજ દુર્ઘટનામાં શોધખોળ કામગીરી અંતિમ તબક્કામાં છે. અંદર પડેલા વાહનો બહાર કાઢવામાં આવ્યા છે. સમગ્ર તંત્રએ ત્વરિત અને સંવેદના સાથે કામગીરી કરી છે.
પ્રાથમિક તપાસને આધારે 4 અધિકારી સસ્પેન્ડ
મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદ રેસ્ક્યૂનો આજે ત્રીજો દિવસ છે, અત્યાર સુધીમાં નદીમાંથી 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. દુર્ઘટનામાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો છે. આ પુલ તૂટી પડવા મુદ્દે વિપક્ષ દ્વારા વહીવટીતંત્રની બેદરકારી મુદ્દે ઝાટકણી કાઢી હતી, જ્યારે મુખ્ય પ્રધાને પ્રાથમિક તપાસને આધારે ચાર અધિકારીને સસ્પેન્ડ કર્યાં હતાં.