બરોડા ડેરીની વાર્ષિક સાધારણ સભા પહેલા રાજકારણ ગરમાયું, દિનુ મામાએ કોને ફેંક્યો પડકાર?

વડોદરા: 4 સપ્ટેમ્બરે બરોડા ડેરીની વાર્ષિક સાધારણ સભા યોજાશે.આ પહેલા જ રાજકારણ ગરમાયું છે. ડેરીના પ્રમુખ દિનેશ પટેલે (દિનુ મામા) વિરોધીઓને પડકાર ફેંક્યો હતો કે તેઓ એક મંચ પર આવીને તેમના આક્ષેપો સાબિત કરે, નહીં તો કોર્ટનો સામનો કરવા તૈયાર રહે.
દિનુ મામાએ જણાવ્યું કે 2012 પહેલા કોંગ્રેસના શાસનમાં ડેરીનું ટર્નઓવર ₹633 કરોડ હતું, જ્યારે આજે 13 વર્ષ પછી દૂધ મંડળીઓની સંખ્યા 900થી વધીને 1156 થઈ છે. તેમણે કહ્યું કે ડેરી વિરુદ્ધ મળેલા 153 લેટરપેડમાંથી 102 સાવલીના છે અને તેમાં એક જ પ્રકારનું લખાણ છે. તેમણે વિરોધીઓને પડકાર આપ્યો કે તેઓ આરોપો સાબિત કરે અથવા કોર્ટમાં જવાબ આપવા તૈયાર રહે.
કેતન ઈનામદારે પડકાર સ્વીકાર્યો:
સામે પક્ષે, સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે દિનેશ પટેલનો પડકાર સ્વીકાર્યો હતો. તેમણે કહ્યું કે દિનુ મામા જ્યાં પણ સમય, તારીખ અને સ્થળ નક્કી કરે, તેઓ તમામ કામ છોડીને ત્યાં હાજર રહેશે. ઈનામદારે કહ્યું કે આ કોઈ રાજકીય બાબત નથી, પરંતુ લાખો પશુપાલકોની સંસ્થાનો મુદ્દો છે. તેમણે જાહેરમાં ખુલીને વાત કરી શકાય તે માટે દિનુ મામાને વહેલી તકે સમય આપવા વિનંતી કરી હતી.
દબંગ નેતા તરીકને છાપ છે કેતન ઈનામદારની
કેતન ઈનામદાર ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે વડોદરા જિલ્લાની સાવલી વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. તેઓ તેમના દબંગ નેતા તરીકેની છાપ માટે જાણીતા છે. તેમણે 2012માં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીતીને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ, તેઓ ભાજપમાં જોડાયા અને 2017 અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ વિજય મેળવ્યો હતો. અવારનવાર તેઓ પાર્ટીથી નારાજગી વ્યક્ત કરવા અને રાજીનામું આપવા માટે ચર્ચામાં રહ્યા છે. જોકે, તેમણે બે વખત (2020 અને 2024માં) રાજીનામું આપ્યા બાદ ફરીથી પાછું ખેંચી લીધું હતું. આ રાજીનામા પાછળનું મુખ્ય કારણ કાર્યકર્તાઓનું સન્માન જળવાતું ન હોવાની તેમની લાગણી હતી.
દિનુ મામા કોણ છે
દિનેશ પટેલ દિનુ મામા તરીકે પણ ઓળખાય છે. તેઓ અગાઉ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે પાદરા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. તેમણે 2007ની વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે જીત મેળવી હતી. 2012ની ચૂંટણી પહેલા તેઓ ભાજપમાં જોડાયા અને તે ચૂંટણીમાં જીત મેળવી. જોકે, તેઓ 2017ની ચૂંટણીમાં હારી ગયા હતા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેમને ટિકિટ ન આપતા, તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. 2023માં તેમણે ફરીથી ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત તેઓ લાંબા સમય સુધી બરોડા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ (બરોડા ડેરી)ના અધ્યક્ષ પદે પણ રહ્યા હતા.