વડોદરાઃ સંસદના શિયાળુ સત્ર દરમિયાન અંબાણી, ધક્કામુક્કી કાંડ, બાબાસાહેબ આંબેડકર પર નિવેદનને લઈ હંગામો થતાં કામગીરી નહોતી થઈ.જેને લઈ ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસે એકબીજાને દોષી ઠેરવ્યા હતા. કૉંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે તેમની પાર્ટી તરફથી આરોપો લગાવ્યા હતા, જ્યારે ભાજપના લોકસભા સાંસદ અને ગુજરાત પ્રમુખ સી.આર.પાટીલે વળતો પ્રહાર કર્યો હતો.
આ પણ વાંચો : ડિજિટલ ગુજરાત: 800થી વધુ સરકારી સેવા ઓનલાઇન ઉપલબ્ધ
શક્તિસિંહ ગોહિલે શું કહ્યું
શક્તિસિંહ ગોહિલે વડોદરામાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું,અમે કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવા માગીએ છીએ. પરંતુ શાસક પક્ષે પોતે જ હોબાળો મચાવ્યો, નારા લગાવ્યા અને સંસદને દિવસો સુધી ચાલવા ન દીધી. પહેલા આવું ક્યારેય નહોતું થયું.
પાટીલે શું કર્યો વળતો પ્રહાર
ગોહિલના આ નિવેદન પર સી આર પાટીલે વળતો પ્રહાર કર્યો હતો. તેમણે એક વીડિયો નિવેદન બહાર પાડીને કહ્યું કે, આ માટે કૉંગ્રેસ અને તેના સાથી પક્ષો જવાબદાર છે. સંસદની લાઇવ કાર્યવાહીની ક્લિપ્સ આ ભદું બતાવવા માટે પૂરતી છે.
કૉંગ્રેસ નેતાએ આક્ષેપ કર્યો હતો કે શાસક પક્ષે સંસદને યોગ્ય રીતે ચાલવા ન દીધી. દેશભરના લોકોએ લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ જોયું છે. તેમજ કૉંગ્રેસના નેતાઓ અધ્યક્ષના મંચ પર ચઢ્યા અને તેઓ કેવી રીતે વર્ત્યા તે પણ જોયું છે. તેમણે કહ્યું કે કૉંગ્રેસે એક પણ પ્રશ્ન અને જવાબ સત્રની મંજૂરી આપી ન હતી અને અવરોધ ઊભો કર્યો હતો, જેના માટે વીડિયો રેકોર્ડિંગના રૂપમાં પુરાવા છે.
તેથી કૉંગ્રેસે પોતાના નેતાઓને બચાવવા માટે લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઈએ. લોકોની નજરમાં તેનું શું મહત્ત્વ છે અને લોકો તેમના માટે કેવા પ્રકારની લાગણીઓ ધરાવે છે તે હરિયાણા અને મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો પરથી સ્પષ્ટ થાય છે.
ભાજપના સાંસદોએ કૉંગ્રેસના સાંસદોને રસ્તામાં રોક્યાઃ શક્તિસિંહ ગોહિલ
મીડિયાને સંબોધતા ગોહિલે વધુમાં દાવો કર્યો હતો કે, વિપક્ષ સંસદમાં વિરોધ કરી રહ્યો હતો ત્યારે ભાજપના સાંસદો આગળ આવ્યા અને લડ્યા તેવું પ્રથમ વખત બન્યું છે. પુરાવા તરીકે બતાવવા માટે દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા છે. જો તમે તથ્યો પર નજર નાખો તો તમે જોશો કે જ્યારે સંસદની કાર્યવાહીનો સમય હતો ત્યારે ભાજપના સાંસદોએ કૉંગ્રેસના સાંસદોને રસ્તામાં રોક્યા હતા અને તેમના પર હુમલો કર્યો હતો.
તેઓએ ધક્કામુક્કી કરી હતી અને મલ્લિકાર્જુન ખડગેને પણ ધક્કો માર્યો હતો. તેમના નેતા રાહુલ ગાંધી પર ભાજપના એક સાંસદે તેમને નુકસાન પહોંચાડવાનો ખોટો આરોપ લગાવ્યો હતો. ભાજપે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર શારીરિક હુમલો અને ઉશ્કેરણીનો આરોપ લગાવ્યો છે.
થિંક ટેન્ક પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચ અનુસાર, શિયાળુ સત્ર દરમિયાન લોકસભાએ તેના નિર્ધારિત સમયના 52 ટકા અને રાજ્યસભાએ તેના નિર્ધારિત સમયના 39 ટકા સમય માટે કામ કર્યું હતું.
આ પણ વાંચો : Gujarat સરકારનો મોટો નિર્ણય, નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સૈધ્ધાંતિક મંજૂરી…
લોકસભાનું શિયાળુ સત્ર અદાણીથી માંડીને અબજોપતિ જ્યોર્જ સોરોસના કૉંગ્રેસ નેતૃત્વ સાથેના સંબંધો અને ડૉ. બી. આર. આંબેડકર પર અમિત શાહની આંબેડકરની ટિપ્પણી જેવા મુદ્દાઓને લઈ ચર્ચામાં રહ્યું હતું.