પાદરા-જંબુસર ગંભીરા બ્રિજ દુર્ઘટના: 2022 ની ચેતવણીની અવગણના ભારે પડી…
બ્રિજની હાલતને લઈ મુજપર જિલ્લા પંચાયતના સભ્યએ લખેલો પત્ર વાયરલ

વડોદરાઃ પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ અચાનક ધરાશાયી થતાં આજે રાજ્યની મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મહીસાગર નદી પર આવેલો મુજપુર-ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે ધસી પડ્યો હતો, જેમાં 10 નિર્દોષ લોકોના કરુણ મોત થયા હતા. આ દુર્ઘટનામાં 7 વાહન નદીમાં ખાબક્યા હતા, જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. આ ઘટનાએ તંત્રની ઘોર બેદરકારી અને બેદરકારી એકવાર ઉજાગર કરી છે, જ્યારે આ બ્રિજની ખસ્તાહાલત અંગે અનેક વખત લોકોએ પ્રશાસનનું ધ્યાન દોર્યું હોવા છતાં રીતસરના આંખ આડા કાન કર્યા હતા. પ્રશાસનને લખેલા 2022ના પત્ર વાયરલ થયો છે. મુજપુર જિલ્લા પંચાયતના સભ્યએ બ્રિજ જર્જરિત હાલતમાં હોવા અંગે પત્ર લખ્યો હતો, જેના વર્ષો પછી તૂટી પડ્યા પછી તંત્ર ઊંઘતું ઝડપાયું છે.
આશ્ચર્યજનક રીતે એક જાગૃત નાગરિકે 27 જૂન, 2023ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો પોસ્ટ કરીને પણ આ જ બ્રિજ અંગે ચેતવણી આપી હતી. તેણે મુખ્ય પ્રધાન, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, કેન્દ્રીય પ્રદાન નીતિન ગડકરી સહિત મીડિયાને ટેગ કરીને લખ્યું હતું કે તમારા માટે બ્રેકિંગ ન્યૂઝ આવશે, જેવા મોરબીના આવ્યા હતા. કવરેજ માટે તૈયાર રહેજો. આ સ્પષ્ટ અને ભયાવહ ચેતવણી છતાં તંત્ર દ્વારા તેની ગંભીરતાને ધ્યાને લેવામાં આવી નહોતી.

હવે વાયરલ પત્ર અંગે વાત કરીએ. મુજપુર જિલ્લા પંચાયતના સભ્ય હર્ષદસિંહ ચંદુભાઈ પરમારે 4 ઓગસ્ટ, 2022ના રોજ જિલ્લા કલેક્ટર અને માર્ગ અને મકાન વિભાગને પત્ર લખીને બ્રિજની જોખમી સ્થિતિ અંગે ધ્યાન દોર્યું હતું. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે બ્રિજના પીલરોમાં “મોમેન્ટ” આવી ગઈ છે, બ્રિજ પરથી પસાર થતી વખતે ધ્રુજારી અનુભવાય છે અને તેની સપાટી સતત બગડી રહી છે. પત્રમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે જો ભવિષ્યમાં કોઈ જાનહાનિ થાય, તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.
હર્ષદસિંહ પરમારની આ ગંભીર રજૂઆત છતાં તંત્ર દ્વારા બ્રિજને જોખમી જાહેર કરીને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો ન હતો. એટલું જ નહીં, હવે બ્રિજની સુરક્ષા સંબંધિત કોઈ તપાસ કે ટેસ્ટ રિપોર્ટ પણ જાહેર કરવામાં આવ્યો ન હતો, જેના પરિણામે આજે આ ભયાવહ દુર્ઘટના સર્જાઈ હતી અને 10 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. હવે તો તાલ એવો આવ્યો છે કે ઘોડા છૂટી ગયા ને તબેલાને તાળા મારવાનો દિવસ આવ્યો. સરકાર લાખ ઈન્કવાયરી બેસાડશે કે પુલને નવનિર્માણ કરશે, પણ જે લોકોએ જીવ ગુમાવ્યો એમના પરિવારનું શું થશે.