હવે વડોદરામાં કોલેજમાં નકલી એડમિશનનો મુદ્દો સામે આવ્યો, મુખ્ય પ્રધાનના સ્વાગત કાર્યક્રમમાં થઈ રજૂઆત

વડોદરાઃ ગુજરાતમાં નકલીની બોલબાલા વચ્ચે કોલેજમાં નકલી એડમિશનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગાંધીનગર ખાતે મુખ્ય પ્રધાનના સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવતા તાત્કાલિક ફરિયાદ દાખલ કરવા આદેશ અપાયા હતાં. વડોદરાના પાદરાના યુવાનના નામે અન્ય કોલેજમાં એડમિશન થયું હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
આ પણ વાંચો: વર્ષ 1980માં નકલી માર્કશીટ બનાવી એડમીશન મેળવી ડોક્ટર બન્યો, કોર્ટે 41 વર્ષ બાદ સજા ફટકારી
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાતમાં નકલી, પોલીસ, અધિકારી, સીએમઓ, ઈડી બાદ હવે કોલેજમાં નકલી એડમિશન થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. વડોદરામાં પાદરાના 12 પાસ પ્રતીક પરમાર નામના યુવાનના નામે અન્ય કોલેજમાં એડમિશન થઈ ગયું હોવાની ઘટના સામે આવી છે. આ યુવકનું ગાંધીનગર દહેગામના એફ.ડી.મુબિન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જીનીયરીંગ કોલેજમાં એડમિશન થઈ ગયું હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ગાંધીનગર ખાતે રાજ્ય સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં નાગરિકોની રજૂઆતો પ્રત્યક્ષ સાંભળી હતી. મુખ્યમંત્રીશ્રી દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ જિલ્લા-તાલુકાના વહિવટી તંત્રના અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા-પરામર્શ… pic.twitter.com/NELLWm21Zr
— CMO Gujarat (@CMOGuj) December 26, 2024
યુવક સમાજ કલ્યાણ વિભાગમાં સ્કોલરશીપ માટે ગયો ત્યારે સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. આધાર કાર્ડ નંબર સિસ્ટમમાં નાખતા એડમિશન ગાંધીનગરની કોલેજમાં ચાલતું હોવાનું બહાર આવ્યું હતું. છેલ્લા એક વર્ષથી આ યુવાન પોલીસ અને સરકારી કચેરીઓમાં રજૂઆત કરીને થાક્યો હતો. તેની રજૂઆતોને ધ્યાને નહીં લેવાતા આખરે તેણે મુખ્યપ્રધાનના સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરી હતી. જેથી મુખ્યપ્રધાને કોલેજ સામે તાત્કાલિક ફરિયાદ દાખલ કરવા આદેશ આપ્યો હતો. જેથી ગાંધીનગર સેક્ટર સાત પોલીસ મથકે આ કેસ મુદ્દે ફરિયાદ નોંધવામાં આવી હતી.