ખુલ્લી ગટરની દુર્ઘટના બાદ વડોદરા મનપાએ કોન્ટ્રાક્ટર અને અધિકારીને સામે પગલા લીધા…

અમદાવાદઃ વડોદરાના માંજલપુરમાં ખુલ્લી ગટરમાં એક 42 વર્ષીય યુવાનની અકસ્માતે પડી જવાના મોતની ઘટના બાદ મનપા કમિશનરે કડક પગલાં લીધા હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. મનપાએ જવાબદાર કોન્ટ્રાક્ટરની કંપનીને બ્લેક લિસ્ટ કરી નાખી હતી. તંત્ર દ્વારા લેવામાં આવેલું આ પગલું કડક અને યોગ્ય માનવામા આવી રહ્યું છે.
તો બીજી બાજુ કોન્ટ્રાક્ટરને કાયદાકીય રીતે પણ જવાબદારીનું ભાન થાય તે માટે મનપા દ્વારા પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. કોન્ટ્રાક્ટર સામે ફોજદારી ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનુ્ જાણવા મળ્યું હતું.
મનપાએ માત્ર કોન્ટ્રાક્ટર જ નહીં, પરંતુ પોતાના અધિકારીને પણ કારણદર્શક નોટિસ આપી હતી પાણી પુરવઠા વિભાગના અધિકારીને કારદર્શક નોટિસ ફટકારવામાં આવી છે, જેમણે કામ કર્યા બાદ દેખરેખ ન રાખતા આ અકસ્માત સર્જાયો હતો.
વડોદરામાં વિપુલસિંહ ઝાલા નામના એક યુવાનનું મેનહોલ ખુલ્લો હોવાને કારણે કરૂણ મોત નિપજ્યુ હતું.
માત્ર 42 વર્ષનો યુવાન પરિવાર સાથે માંજલપુર વિસ્તારમા બહાર જમવા ગયો હતો. કાર પાર્ક કરી પાછો આવતો હતો ત્યારે અંધારામાં ખુલ્લી ગટર ન દેખાતા તેઓ ગરકાવ થઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે તેમને બહાર કાઢ્યા હતા, પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કરતા પરિવાર અને પરિચિતોમાં શોક અને રોષની લાગણી ફેલાઈ હતી.
આ પણ વાંચો…વડોદરામાં ખુલ્લી ગટરે એક યુવકનો જીવ લીધો, મનપાની કોન્ટ્રાક્ટર વિરુદ્ધ સખત કાર્યવાહીની બાંહેધરી



