વડોદરા MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીના મોત બાદ મોટો નિર્ણય: વિદ્યાર્થી સુરક્ષા માટે SOP તૈયાર થશે | મુંબઈ સમાચાર
વડોદરા

વડોદરા MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીના મોત બાદ મોટો નિર્ણય: વિદ્યાર્થી સુરક્ષા માટે SOP તૈયાર થશે

વડોદરા: મહારાજા સયાજીરાવ (એમ. એસ.) યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીના મોત બાદ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. વડોદરામાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે એસઓપી તૈયાર કરવામાં આવશે. તાજેતરમાં ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં પેઇન્ટિંગની વિદ્યાર્થિનીનું ક્લાસરૂમમાં કરંટ લાગવાથી મૃત્યુ થયા બાદ યુનિવર્સિટીના સત્તાધીશો જાગ્યા હતા અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી હાઈ પાવર કમિટી બનાવવાનો નિર્ણય લીધો હતો.

કમિટીમાં કોનો કોનો સમાવેશ કરાયો

આ કમિટીના કન્વીનર તરીકે સોશ્યલ વર્ક ફેકલ્ટીના પૂર્વ ડીન અને કંટ્રોલર ઓફ એક્ઝામ પ્રો.ભાવના મહેતાની નિમણૂક કરવામાં આવી હતી. તેની સાથે કમિટિમાં હોમસાયન્સ, સાયન્સ, પરફોર્મિંગ આર્ટસ, કોમર્સ, લો ફેકલ્ટીના પાંચ ડીન, આર્ટસ ફેકલ્ટીના પ્રોફેસર હિતેશ રાવિયા, રજિસ્ટ્રાર ડો. ચૂડાસમા અને જોઈન્ટ રજિસ્ટ્રાર મયંક વ્યાસનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: એમ.એસ. યુનિવર્સિટીના પૂર્વ VC વિજય શ્રીવાસ્તવની પીએચડી ડિગ્રી બોગસ નીકળી!

આ કમિટી દ્વારા સાત દિવસની અંદર વિદ્યાર્થીઓની ક્લાસરુમની અંદર તેમજ ક્લાસરૂમની બહાર સુરક્ષા માટે એક એસઓપી તૈયાર કરવામાં આવશે અને યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીઓમાં તેનો અમલ કરાશે. આ એસઓપીમાં કેમ્પસમાં કાર્યરત સિક્યુરિટીનો પણ સમાવેશ થશે.

સૂત્રોએ કહ્યું કે, એસઓપી તૈયાર કરવાની સાથે સાથે વિદ્યાર્થિનીના મોતની ચાલી રહેલી પોલીસ તપાસના તારણોને પણ ધ્યાનમાં લેવામાં આવશે. વિદ્યાર્થીઓની સુરક્ષા યુનિવર્સિટીની પ્રાથમિક જવાબદારી છે અને તેમાં ઢીલાશ રાખવામાં નહીં આવે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button