પાલિકાની ચૂંટણી પહેલા વડોદરામાં મોદી લવર્સે બનાવ્યું નવું સંગઠન, જાણો રાજકીય સમીકરણો?

વડોદરા: ગુજરાતને ભારતની રાજનીતિમાં ભાજપનો અભેદ્ય ગઢ માનવામાં આવે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રભાવ અને હિન્દુત્વની રાજનીતિ આ બંને ગુજરાતમાં ભાજપની મજબૂત પકડ માટેના અતિ મહત્વના કારણ છે પરંતુ તેની સાથોસાથ જ મહત્વનું કારણ છે ગુજરાતના મુખ્ય પ્રધાન બાદ દેશના વડા પ્રધાન બનેલા નરેન્દ્ર મોદીનો ચહેરો. પીએમ મોદીની લોકપ્રિયતા પણ એક ખૂબ જ મહત્વનું કારણ છે. પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જ ગુજરાતમાં ભાજપના જ નેતાઓએ મળીને એક નવું સંગઠન બનાવતા ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે.
અહી વાત થઈ રહી છે સાંસ્કૃતિક પાટનગર વડોદરાની. પાછલા વર્ષની લોકસભા ચૂંટણીમાં વડોદરામાં ભાજપના તત્કાલીન સાંસદ રંજનબેન ભટ્ટ પ્રત્યે નારાજગી સામે આવી હતી અને તો ભાજપે ટિકિટ જાહેર કર્યા બાદ પણ ઉમેદવાર બદલી નાખ્યા હતા. ત્યારબાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે વડોદરામાં ‘સબ ઠીક’ની સ્થિતિ સર્જાશે. લોકસભા ચૂંટણીમાં ભાજપના નવા ઉમેદવાર ડૉ. હેમાંગ જોશીને વડોદરાના લોકોએ છ લાખથી વધુ મતથી જિતાડયા હતા. આમ તો વડોદરા વડાપ્રધાન મોદીની રાજકીય યાત્રા સાથે સીધું જોડાયેલું છે. પરંતુ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ટાણે વડોદરામાં ‘મોદી લવર્સ’એ જ એક નવું સંગઠન બનાવ્યું છે.
વડોદરા નવનિર્માણ સંઘ નામના સંગઠનની રચના
વડોદરામાં વડોદરા નવનિર્માણ સંઘ (VNS) નામનું સંગઠન બનાવવામાં આવ્યું છે. આ સંગઠનની રચના આરએસએસ અને અન્ય આગેવાનોએ કરી છે. આ સંગઠનના સલાહકારોમાં કીર્તિ એન. પરીખ અને ભાલચંદ્ર પાઠક છે અને તેઓ બંનેનો સંબંધ સંઘ સાથે છે. આ ઉપરાંત, આ સંગઠન સાથે હરણી બોટ દુર્ઘટનાના પીડિતોનો કેસ લડનાર જાણીતા વકીલ હિતેશ ગુપ્તા અને એમએસયુમાં પ્રોફેસર સતીશ પાઠક પણ જોડાયેલા છે.
વીએનએસને સારો પ્રતિસાદ
વડોદરા નવનિર્માણ સંઘ (VNS)ના કન્વીનર હાર્દિક દોશીએ જણાવ્યું હતું કે છે કે તેમના પ્રયાસોને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 23 ઓગસ્ટના રોજ શરૂ થયેલા VNS સાથે અત્યાર સુધીમાં 6 હજાર પ્રભાવશાળી લોકો જોડાઈ ચૂક્યા છે. સંગઠનનો ઉદ્દેશ્ય પૂછવામાં આવતાં દોશીએ કહ્યું કે વડોદરાની વર્તમાન પરિસ્થિતિને કારણે આ સંગઠનનો જન્મ થયો છે. સંગઠન આગામી ચૂંટણીઓ માટે સારા ચહેરાઓ શોધી રહ્યું છે, જેથી શહેરનો વિકાસ થઈ શકે.
….તો સંઘ આ અંગે વિચારણા કરશે
તેમણે આગળ જણાવ્યું હતું કે સંઘની ચૂંટણીલક્ષી રાજકારણમાં જવાની કોઈ ઈચ્છા નથી, પરંતુ જો રાજકીય પક્ષો તરફથી યોગ્ય ઉમેદવારો નહીં મળે, તો સંઘ આ અંગે વિચારણા કરશે. VNSના સલાહકાર અને સ્થાપક કીર્તિભાઈ પરીખ મોદી પ્રેમ માટે જાણીતા છે. તેઓ 2000માં વડોદરા શહેરના ‘નગર કાર્યવાહ’ રહી ચૂક્યા છે, પરંતુ હાલ તેઓ ખૂબ દુઃખી છે. તેમનું કહેવું છે કે શહેરમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે નરેન્દ્ર મોદીની વિચારધારાથી એકદમ વિરુદ્ધ છે.
વડોદરા નવનિર્માણ સંઘ ભાજપ માટે મોટો પડકાર?
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે વડોદરા નવનિર્માણ સંઘ ભાજપ માટે એક મોટો પડકાર સાબિત થઈ શકે છે, કારણ કે ગત ચૂંટણીમાં ભાજપે 19 વોર્ડની 76 સીટોમાંથી 67 પર કબજો જમાવ્યો હતો. જોકે, ભાજપે છેલ્લા પાંચ વર્ષમાં બે હિન્દુત્વવાદી કોર્પોરેટરો આશિષ જોષી અને અલ્પેશ લિંબાચિયાને સસ્પેન્ડ કર્યા છે. ભાજપે 1995ની આસપાસ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા સંભાળી હતી. આ એટલા માટે શક્ય બન્યું હતું કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1990ની આસપાસ વડોદરામાં કમાન સંભાળી હતી. તેઓ તે સમયે આરએસએસના પ્રચારક તરીકે નિયમિતપણે કોઠી શાસ્ત્રી પોળ આવતા હતા.
વડોદરા નરેન્દ્રભાઈની કર્મભૂમિ
કીર્તિ એન. પરીખે વાત કરતાં જણાવ્યું હતું કે, “વડોદરા નરેન્દ્રભાઈની કર્મભૂમિ છે. અમને તેમની સાથે અતૂટ લગાવ છે. તેઓ તેમના જીવનના દરેક મોટા પ્રસંગે વડોદરા આવ્યા છે.” 2014માં વડાપ્રધાન મોદી વારાણસી અને વડોદરા બંને બેઠકો પરથી જીત્યા હતા. તે સમયે તેઓ માત્ર ઉમેદવારી પત્ર ભરવા માટે વડોદરા આવ્યા હતા અને ત્યારબાદ તેમને મોટી જીત મળી હતી.