ભાજપના ‘અધિકારીરાજ’ સામે મધુ શ્રીવાસ્તવે નારાજગી વ્યક્ત કરી, ચૂંટણી લડવાનો કર્યો ઈશારો

વડોદરાઃ વાઘાડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી એક વખત રાજકીય મેદાનમાં સક્રિય થવાનો હુંકાર ભર્યો હતો. તેમણે પોતાના નવા કાર્યાલયના ઉદ્ગાટન પ્રસંગે ભાજપના અધિકારીરાજ સામે નારાજગી વ્યક્ત કરી હતી અને ત્રીજો લોકશાહી મોરચો બનાવીને આગામી ચૂંટણી લડવાનો સ્પષ્ટ ઇશારો કર્યો હતો.
ભગવાન સિવાય કોઈના બાપથી ડરતો નથી: મધુ શ્રીવાસ્તવ
મધુ શ્રીવાસ્તવે કહ્યું, વડોદરા અને વાઘોડિયા તાલુકાના મત વિસ્તારમાં જે પણ કાવતરા ચાલી રહ્યા છે, તે કાન ખોલીને સાંભળી લેજો. હું મેદાનમાં આવી રહ્યો છું. આ મધુ શ્રીવાસ્તવ છે. ભગવાન સિવાય કોઈના બાપથી ડરતો નથી. બે નંબરના ધંધા હોય, પોલીસ અધિકારી હોય કે મામલતદાર હોય, સમજી જજો, જો ચૌદમું રતન ન બતાવું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં.
લોકશાહી મોરચો બનાવીને ચૂંટણીમાં ઝંપલાવીશ
આ ઉપરાંત તેમણે કહ્યું, જ્યાં સુધી શ્વાસ રહેશે ત્યાં સુધી તમારા માટે કામ કરતો રહીશ. જો લોકો કહેશે તો લોકશાહી મોરચો બનાવીને ચૂંટણીમાં ઝંપલાવીશ. તેમણે તાલુકા પંચાયત જીતાડીને વાઘોડિયામાં ડ્રેનેજ, રોડ રસ્તા, સ્વચ્છ પાણી જેવી અધૂરી સુવિધાઓ પૂરી કરવાનું વચન આપ્યું હતું.
દબંગ નેતા તરીકેની છે છાપ
મધુ શ્રીવાસ્તવ ભાજપમાંથી વાઘોડિયાના ધારાસભ્ય રહી ચૂક્યા છે, પરંતુ ગત વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ન મળતા તેઓ અપક્ષ તરીકે લડ્યા હતા. તેઓ વાઘોડિયાના “દબંગ નેતા” તરીકે પણ ઓળખાય છે અને રાજકીય વર્તુળોમાં તેમના નિવેદનો અને વિવાદો માટે જાણીતા છે. રાજકારણ ઉપરાંત, તેઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે પણ જોડાયેલા છે. તેમણે કેટલીક ગુજરાતી ફિલ્મોમાં અભિનય પણ કર્યો છે, જેના કારણે તેઓ ચર્ચામાં રહ્યા હતા
આ પણ વાંચો…પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાની મુશ્કેલી વધી, મર્ડર કેસમાં આગોતરા જામીન નામંજુર