
વડોદરાઃ શહેરના રમણગામડી જીઆઈડીસીમાંથી વિશાળ દારૂનું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં પોલીસે લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.
વરણામા પોલીસે અમદાવાદ ઓઢવના બુટલેગરનું દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું. પાર્થ કન્સ્ટ્રક્શન કંપનીના બોર્ડવાળા આ ગોડાઉનમાં દારૂનું કટીંગ ચાલતું હતું તે સમયે જ પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે રૂપિયા 37 લાખના દારૂના જથ્થા સહિત 48 લાખના મુદ્દામાલ સાથે 5ની ધરપકડ કરી કરી હતી. દારૂનું ગોડાઉન ઝડપાતા ચકચાર મચી ગઇ હતી.
ગોડાઉનની બહાર હતું કન્સ્ટ્રક્શન કંપનીનું બોર્ડ
મળેલી માહિતી પ્રમાણે, વરણામા પોલીસને બાતમી મળી હતી કે, રમણગામડી ગામની સીમમાં પટેલ એસ્ટેટમાં પાર્થ કન્ટ્રક્શન નામના બોર્ડવાળા ગોડાઉનમાં નારાયણલાલ કસ્તુરરામ સૈન ( રહે. 15-16, શહેરી ગરીબ આવાસ, ઓઢવ, અમદાવાદ શહેર(મુળ રહે. રાજસ્થાન) બહારથી મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી ગોડાઉનમાં રાખે છે અને મોટા પ્રમાણમાં તેનુ ગેરકાયદેસર વેચાણ કરે છે.
આપણ વાંચો: નરોડા GIDCમાં દારુ પકડાયા બાદ પોલીસ કમિશનરની કાર્યવાહી; નરોડા પીઆઇને કર્યા સસ્પેન્ડ
હાલમાં પણ આ ગોડાઉનમાં અલગ-અલગ વાહનોમાં ભારતીય બનાવટનો દારૂનો જથ્થો સપ્લાય કરવાનું કામ ચાલુ છે.
અમદાવાદના ઓઢવના બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો
આ ચોક્કસ બાતમી આધારે પોલીસે રેડ કરી ત્યારે આરોપીઓ દારૂનો જથ્થો અન્ય જગ્યાએ સપ્લાય કરવા સારુ અલગ અલગ વાહનોમાં ભરી રહ્યા હતા.
પોલીસે સ્થળ ઉપરથી રૂપિયા 36,97,200ની કિંમતની દારૂ ભરેલી 238 પેટીઓ, હેરાફેરી માટે વપરાશમાં લીધેલી બોલેરો પીકઅપ વાન, ઇન્ટ્રા પીકઅપ વાન, મોટર સાયકલ, 4 મોબાઇલ ફોન, રોકડા રૂપિયા 10,920 અને સ્થળ ઉપરથી ગેસની સગડી, ગેસનો બોટલ વગેરે મળી કુલ રૂપિયા 48,82,920નો મુદ્દામાલ તેમજ 5 આરોપીઓની ધરપકડ કરી હતી.
જ્યારે દારૂ મંગાવનાર અમદાવાદ ઓઢવના બુટલેગર નારાયણ સૈનને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.