વડોદરામાં દારૂબંધીના ધજાગરા: હરણીમાંથી ‘હાઈડ્રોલિક ઓઈલ’ના નામે ₹75 લાખનો દારૂ ઝડપાયો!

વડોદરા: ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પરંતુ દારૂની હેરાફેરી માટે અવનવા કિમિયા બુટલેગરો અપનાવતા હોય છે. વડોદરામાં દારૂની હેરાફેરી માટે ટ્રાન્સપોર્ટરોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે હરણી વિસ્તારમાં આવેલી વધુ એક ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો પોલીસને હાથ લાગ્યો હતો.
મળતી વિગતો અનુસાર, હરણી ગોલ્ડન ચોકડી વિસ્તારમાં આવેલી કેપી ટ્રાન્સપોર્ટમાં દારૂનો જથ્થો બહારથી આવ્યો હોવાની ચોક્કસ બાતમી હરણી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે ટ્રાન્સપોર્ટ ઓફિસમાં સામાનની તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન, હરિયાણાના પંચકુલાથી આવેલી પ્લાસ્ટિકની ૧૧૪ નંગ પેક બાલ્ટીઓની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આ ડોલોના બિલમાં હાઇડ્રોલિક ઓઇલ ભર્યું હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. દારૂ ભરેલી આ ડોલોમાંથી ૩૮ ડોલ ગાયત્રી ટ્રેડર્સ, ૩૮ ડોલ હરિઓમ સ્ટીલ વર્કસ મકરપુરા અને ૩૮ ડોલ એચ એ ટ્રેડિંગના નામે મોકલવાની હતી. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને દારૂ મંગાવનાર તેમજ મોકલનાર સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા છે.