હદ થઈ ગઈઃ વડોદરામાં 9માં ધોરણમાં ભણતી વિદ્યાર્થિની બેગમાં દારૂની બોટલ!

વડોદરાઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સરેઆમ દારૂ વેચાય છે અને પીવાય છે તેવા અહેવાલો અને તેવી ટીકાઓ સતત થતી રહે છે. સતત મળતો રહેતો દારૂનો જથ્થો, પોલીસ અને બુટલેગરોની સાંઠગાંઠ આ બધા અહેવાલો ગુજરાતીઓ માટે સામાન્ય થઈ ગયા છે, પરંતુ વડોદરામાં બનેલી એક ઘટના ખરેખર આંખો પહોળી કરનારી છે. અહીં નવમાં ધોરણમાં ભણતી એક વિદ્યાર્થિનીની સ્કૂલ બેગમાંથી દારૂની બોટલ મળ્યાના અહેવાલો છે.
વડોદરા શહેરના સાવલી રોડ પર આવેલી એક જાણીતી સ્કૂલમાં આ ઘટના બની હતી. જોકે સ્કૂલના પ્રિન્સિપાલે ઘટના પર ઢાંકપિચોડો કરવાની કોશિશ કરી હતી, પરંતુ વાલીઓએ રોષશ ઠાલવતા મામલો બહાર આવ્યો છે.
વિદ્યાલયનાં પ્રિન્સિપાલએ જણાવ્યું છે કે આવી ઘટના અંગે મને હાલમાં કોઈ જાણકારી નથી. હું તપાસ કરાવ્યા બાદ સાચી હકિકત બહાર આવશે. જોકે મળતી માહિતી અનુસાર વાલીઓની ફરિયાદ બાદ વિદ્યાર્થિનીને સ્કૂલે ન આવવા અને માત્ર પરીક્ષા આપવા આવવા કહેવાયું છે.
આ ઘટના અંગે વિદ્યાર્થીના એક વાલીઓએ જણાવ્યું હતુ કે મારો પુત્ર આ સ્કૂલમાં અભ્યાસ કરે છે. એના ક્લાસમાં આવી ઘટના બની હતી. તેણે મને ઘરે આવી જણાવ્યું હતું કે, ક્લાસમાં એક વિદ્યાર્થિની સ્કૂલ બેગમાં દારૂની બોટલ લાવી હતી અને અન્ય ત્રણ વિદ્યાર્થિની સાથે બેસીને દારૂની બોટલ ખોલવા જતી હતી. એ સમયે હું ક્લાસ રૂમમાં પહોંચી જતા બોટલ સ્કૂલ બેગમાં મૂકી દીધી હતી. આ મામલે મેં મારા પુત્ર સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓનાં વાલીને જાણ કરી છે.
આ ઘટના સ્કૂલ સત્તાવાળાઓનાં ધ્યાન પર આ વાત આવતા જે વિદ્યાર્થિની સ્કૂલ બેગમાં બોટલ લાવી હતી તેને પરીક્ષા સુધી સ્કૂલમાં નહીં આવવા જણાવ્યું છે અને અન્ય ત્રણ વિદ્યાર્થિનીઓનાં ક્લાસ બદલી દેવામાં આવ્યા છે, પરંતુ આ વાત બહારનાં જાય એની કાળજી રાખવામાં આવી હતી, પરંતુ અન્ય વિદ્યાર્થિઓએ વાલીઓ ને જાણ કરતા ભાંડો ફૂટ્યો હતો.
આ પણ વાંચો…ગુંદી તાલુકો અલગ બનાવવાની ધારાસભ્યની માંગ સામે 25 ગામના લોકોએ ગોધરા ક્લેક્ટર કચેરીએ વિરોધ નોંધાવ્યો…
જોકે આ પહેલી ઘટના નથી કે આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસેથી દારૂની બોટલ મળી હોય. અગાઉ સ્કૂલમાં દારૂ લાવવા માટે ચાર વિદ્યાર્થી સસ્પેન્ડ કરાયા હતા. જોકે સ્કૂલ સંચાલકો આવી ઘટના નહીં બન્યાનું રટણ કરી રહ્યા છે.
રાજકોટમાં વિદ્યાર્થી ઝડપાયો એમડી ડ્રગ્સ સાથે
રાજકોટમાં શહેર SOGએ રૂ. 2.13 લાખનાં મેફેડ્રોન ડ્રગ્સ (MD) ડ્રગ્સનાં જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં ઝડપાયેલો યુવક કોલેજમાં અભ્યાસ કરતો હોવાનું બહાર આવ્યું છે. યુવાનો જે રીતે નશાના રવાડે ચડી ગયા છે તે જોતા ગુજરાતે ચિંતા કરવાની જરૂર છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટ શહેર SOGએ પુષ્કરધામ રોડ પર ભવાનીનગરમાંથી રૂ. 2.13 લાખનાં MD સાથે એક શખ્સની ધરપકડ કરી છે.
પોલીસ પુછપરછમાં ઝડપાયેલા યુવકની ઓળખ અંશુ ચૌહાણ તરીકે થઈ છે. અંશુ કોલેજમાં અભ્યાસ કરતો હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. ત્યારે આરોપી ડ્રગ્સ ક્યાંથી લાવ્યો? કોલેજમાં અભ્યાસ કરતો હોવાથી કોલેજનાં અન્ય યુવકોને ડ્રગ્સનાં રવાડે ચઢાવ્યા છે કે કેમ તે સહિતનાં સવાલોનાં જવાબ મેળવવા SOG વધુ તપાસ હાથ ધરી છે.