ગરવી ગુજરાતણ કર્નલ સોફિયા કુરેશી કડકડાટ બોલે છે ગુજરાતી? જાણો પરિવાર વિશે

વડોદરાઃ ભારતે બુધવારે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં આતંકીનો સફાયો કર્યો હતો. આ ઓપરેશન બાદ ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશીએ એર સ્ટ્રાઈક વિશે માહિતી આપી હતી. સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે, તેના પિતાએ પ્રતિક્રિયા આપતા કહ્યું, તેમને તેની પુત્રી પર ગર્વ છે.
સોફિયાના પિતા તાજ મહોમ્મદ કુરેશીએ કહ્યું હતું કે, મારી પુત્રી જે પણ કરી રહી છે તે રાષ્ટ્ર માટે કરી રહી છે.આપણે હિન્દુ અને મુસ્લિમ કરતા ભારતીય પહેલા છે તે યાદ રાખવું જોઈએ.સોફિયાને જ્યારે ભારતીય સેનામાં જોડાવું હતું ત્યારે તેણે મને પૂછ્યું હતું કે, પહેલા દાદા અને પછી તમે સેનામાં ફરજ બજાવી ચૂકયા છો તો હવે ઘરમાંથી હું સેનામાં ભરતી થઉં?મેં તરત જ તેને હા કહી દીધી હતી.અમારી ત્રીજી પેઢી સેનામાં છે તેનો ગર્વ છે. આજે ભારતે પાકિસ્તાન પર જે રીતે હુમલો કર્યો છે તે જોઈને થાય છે કે, મારા પરિવારનો જે હેતુ હતો તે પૂરો થયો છે. પાકિસ્તાન આ દુનિયાની અંદર રહેવાને લાયક દેશ નથી.
સોફિયાના પિતાએ કહ્યું હતું કે, મને વડોદરામાં પોસ્ટિંગ મળ્યું તે પછી બીજી જગ્યાએ પણ ટ્રાન્સફર થયો હતો પણ મેં પરિવાર સાથે વડોદરામાં જ રહેવાનું પસંદ કર્યું હતું.મને ગુજરાતી બરાબર નથી આવડતું પણ સોફિયા કડકડાટ અને ઘણુ સારુ ગુજરાતી બોલી શકે છે
સોફિયાના ભાઈ મોહમ્મદ સંજય કુરેશીએ કહ્યું, તે મારી મોટી બહેન છે અને આજે પણ મારો રોલ મોડલ છે. આજે તેણે પાકિસ્તાનને જે મેસેજ આપ્યો છે તેની સખત જરૂર હતી. લોહી ઉકળી રહ્યું હતું, લાંબા સમયથી તેની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ કોઈએ વિચાર્યું નહોતો તેવો બદલો લીધો. અમારા પરિવારનો સભ્ય પ્રેસ કોન્ફરન્સ કરશે તેવું તો વિચાર્યું પણ નહોતું. અમારા પરિવારને આટલો મોટો મોકો મળ્યો તે ગર્વની વાત છે.
આ ઉપરાંત તેમણે કહ્યું. સોફિયા એક વખત જે કામ હાથમાં લે તે પૂરુ કર્યા વગર રહેતી નથી.કદાચ આર્મીમાં આગળ વધવામાં તેને આ જ ગુણ કામમાં લાગ્યો છે.આઠ વર્ષની હતી ત્યારે સાયકલ શીખતી વખતે સાયકલ પરથી પડી ગઈ હતી અને તેનો પગ તૂટ્યો હતો. પણ બીજા દિવસે તે પગમાં પ્લાસ્ટર છતા પણ સાયકલ પર બેસી ગઈ હતી. કોંગો સહિતના દેશોમાં યુએનની પીસ કિપિંગ ફોર્સમાં ફરજ બજાવ્યા બાદ યુએન તરફથી તેને નોકરીની ઓફર હતી પરંતુ આર્મી પ્રત્યેના પ્રેમના કારણે આ ઓફર તેણે ઠુકરાવી હતી.તે વખતે મહિલા ઓફિસરો માટે આર્મીમાં નોકરીનો સમયગાળો ઓછો હતો. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે મહિલા અને પુરુષ અધિકારીઓને સમાન ગણવા માટે આપેલા ચુકાદામાં પણ સોફિયા કુરેશીનો ઉલ્લેખ કર્યો છે.
મોહમ્મદ સંજય કુરેશીએ એમ પણ જણાવ્યું, દુશ્મને આપણું નુકસાન કર્યું અને આપણે તેમને જડબાતોડ જવાબ આપીએ તેનાથી મોટી ગર્વની ક્ષણ કોઈ ન હોઈ શકે. અમારા પરિવાર, વડોદરાના રહેવાસીઓ અને ગુજરાતના તમામ લોકોની છાતી ગજગજ ફૂલી રહી છે.
પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક અંગે માહિતી આપનારા સોફિયા કુરેશી વડોદરાના છે. તેમણે બાયોકેમિસ્ટ્રીથી પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યુ છે. તેઓ ભારતીય સેનામાં શોર્ટ સર્વિસ કમીશન અંતર્ગત 1999માં સામેલ થયા હતા. સોફિયાના પતિ મેજર તાજુઉદ્દીન કુરેશી ભારતીય સેનામાં છે અને સોફિયાનો પુત્ર સમીર પણ એરફોર્સમાં જોડાવા માગે છે.આ માટે તેણે પરીક્ષા આપવાની અને બીજી તૈયારી પણ શરુ કરી દીધી છે