વડોદરા

કીર્તિ પટેલ વિરુદ્ધ ખંડણી અને ગુનાહિત પ્રવૃત્તિઓ બદલ ‘પાસા’ એક્ટ હેઠળ કાર્યવાહી, જાણો આ એક્ટની જોગવાઈઓ

વડોદરાઃ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલની બિલ્ડર પાસેથી 30 લાખની ખંડણી માંગવાના કેસમાં ગત 17 જૂન, 2025ના ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે. સુરત પોલીસે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર 13 લાખ ફોલોઅર્સ ધરાવતી કીર્તિ પટેલ વિરુદ્ધ પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી. તેના પર લોકોને બદનામ કરવા, ખંડણી અને અન્ય ક્રિમિનલ પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો આરોપ છે. કીર્તિ પટેલ વિરુદ્ધ સુરત, ગાંધીનગર, પાટણ અને જૂનાગઢમાં કેસ નોંધાયેલા છે.

પોલીસ દ્વારા કેમ લેવામાં આવ્યું પગલું?

કીર્તિ પટેલે કથિત રીતે પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી એટલે સુરત પોલીસ દ્વારા તેની વિરુદ્ધ પાસા એક્ટ લગાવવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તે સોશિયલ મીડિયા પર ધમકીભર્યા અને અપશબ્દોવાળા વીડિયો બનાવતી હતી. તે ખંડણી જેવા પાછલા ગુનાઓમાં જામીન પર છૂટી હતી.

‘પાસા’ એક્ટ હેઠળ ગાળિયો કસ્યો?

પાસા એક્ટ હેઠળ ગુનેગારને તેના ગૃહ જિલ્લાથી દૂર અન્ય જિલ્લાની જેલમાં રાખવામાં આવે છે. PASA એક્ટ લાગુ થવાથી જામીન મેળવવામાં મુશ્કેલી પડે છે અને તેમાં 1 વર્ષ જેટલો સમય લાગી શકે છે. ગુજરાતમાં પાસા એક્ટ, 1985 ખતરનાક ગણાતા લોકો માટે બનાવવામાં આવ્યો હતો. તેમાં બુટલેગર, ડ્રગ અપરાધી, મિલકત પચાવી પાડનારા અને સાયબર ગુનેગારોનો સમાવેશ થાય છે. આ એક્ટ જે લોકોથી જાહેર સલામતિ અને વ્યવસ્થા બગડવાનો ખતહો હોય તેવા લોકો સામે લગાવવામાં આવે છે. પાસા હેઠળ ધરપકડ બાદ કીર્તિ પટેલને વડોદરા સેન્ટ્રલ જેલ મોકલી દેવામાં આવી હતી.

આ પણ વાંચો: ફેશન ડીઝાઈનર કીર્તિ પટેલ કેવી રીતે બની ગઈ વિવાદાસ્પદ સોશિયલ મીડિયા સ્ટાર, વિવાદ સાથે છે ઉંડો નાતો

એક સમયે હતી ફેશન ડિઝાઈનર

કીર્તિ પટેલ સોશ્યલ મીડિયામાં ખૂબ પોપ્યુલર છે. કીર્તિ પટેલ એક સમયે ફેશન ડિઝાઇનર હતી ત્યારબાદ તેમણે કોમેડી વીડિયો બનાવી અને યૂટ્યુબ અને ટીકટોકમાં ઝંપલાવ્યું હતું. જેમાં તેમને ખાસ્સી એવી લોકપ્રિયતા મળી હતી. કીર્તિ પટેલ ખૂબ જ ટીકટોકમાં વાયરલ થયા બાદ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુઅન્સર બની ગઈ હતી. શરૂઆતમાં માત્ર કોમેડી વીડિયો બનાવતી કીર્તિ પટેલ હવે વધારે વિવાદોથી ઘેરાયેલી રહે છે.

ખજૂરભાઈ સાથે પણ લઈ ચુકી છે પંગો

કીર્તિ પટેલ અને ખજૂરભાઈ નામના યુટ્યૂબર્સ વચ્ચે થોડા સમય પહેલા કોઈ મુદ્દાને લઈ માથાકૂટ થઈ હતી. આ પ્રકરણમાં દિનેશ સોલંકીએ પોતાની ચેનલ પર ખજૂરભાઈની ફેવર અને કીર્તિ પટેલના વિરોધમાં આપત્તિજનક વીડિયો અને પોસ્ટ મૂકતો હતો. આ પોસ્ટને લઈ યુટ્યૂબર રોયલ રાજા ઉર્ફે દિનેશ સોલંકી ચર્ચામાં આવ્યો હતો. દિનેશ સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાદ આરોપીઓ તેને એક ગોળના રાબડા પર લઈ ગયા હતા, જ્યાં તેનાં કપડાં ઉતારી નગ્ન કરી, ઊંધો સુવડાવી ઢોરમાર માર્યો હતો. હુમલા દરમિયાન આરોપીઓએ કીર્તિ પટેલને વીડિયો કૉલ કર્યો હતો. આ વીડિયો કોલમાં કીર્તિએ કહ્યું કે, રોયલ રાજાની મૂછ અને વાળ સારાં નથી લાગતાં, કાપી નાંખો. કીર્તિના આદેશ બાદ હુમલાખોરોએ મારી મૂંછ અને વાળ કાપી નાખ્યાં હતાં. આ વિવાદ ખૂબ ચગ્યો હતો.

આ પણ વાંચો: કીર્તિ પટેલને જેલમાં જ રહેવું પડશે! એક મહિનામાં બીજી વખત જામીન નામંજૂર થયા…

ઋષિભારતીના રૂમમાં ઘૂસીને બનાવ્યો હતો વીડિયો

અમદાવાદના સરખેજમાં આવેલા ભારતી આશ્રમનો વિવાદ થોડા સમય પહેલા સામે આવ્યો હતો. આશ્રમમાં હરિહરાનંદ બાપુએ કમાન સંભાળી બન્ને શિષ્યોને પદ પરથી હટાવતાં આમને સામને ચોંકાવનારા આરોપ પ્રતિઆરોપ કર્યા હતા.આ બધાની વચ્ચે વિવાદિત સોશિયલ મીડિયા ફેમ કીર્તિ પટેલે ઋષિભારતીના રૂમમાં ઘૂસીને અંગત સામાન ફંફોળી વીડિયો બનાવ્યો હતો.

જૂનાગઢમાં ભેસાણના નવા બસ સ્ટેશન પાસે રહેતા જમનભાઈ બાવાભાઈ ભાયાણી સામે કીર્તિ પટેલ વીડિયો બનાવીને માર મારવાની ધમકી આપ્યા બાદ તેને માર મારવા સુરતથી સાથીદારો સાથે પહોંચી હતી. કીર્તિ પટેલ સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જોકે પોલીસ સમયસર પહોંચી જતાં મોટી માથાકૂટ થાય તે પહેલા જ કીર્તિને તેના સાથીદારો સાથે ઝડપી પાડવામાં આવી હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button