વડોદરા

વડોદરાની વિશ્વામિત્રી નદીમાંથી 200 કિલોના મહાકાય મગરનો મૃતદેહ મળ્યો: 6 મહિનામાં નવમો બનાવ…

વડોદરાઃ શહેરની વિશ્વામિત્રી નદીમાં મગર મોટી સંખ્યામાં રહે છે. પરંતુ છેલ્લા થોડા મહિનાથી સમયાંતરે નદીમાંથી મગરના મૃતદેહ મળી આવે છે. આજે સવારે કારેલીબાગ બુદ્ધદેવ કોલોની પાસે કમાટીબાગના બ્રિજ પાસેથી વધુ એક મગરનો મૃતદેહ નદીમાં જોવા મળતા લોકોના ટોળા જામ્યા હતા.

જીવદયા પ્રેમીઓને જાણ થતાં 10 ફૂટના અંદાજે 200 કિલો જેટલા વજનના મગરનો મૃતદેહ પાણીમાંથી કાઢતા નાકે દમ આવી ગયો હતો. ફોરેસ્ટ વિભાગની ટીમ આવી જતા પાંચથી સાત જેટલા કાર્યકરો દ્વારા મગરના મૃતદેહને વાનમાં મૂકીને રવાના કરવામાં આવ્યો હતો. 6 મહિનામાં નવમો બનાવ નોંધાયો હતો.

એપ્રિલ મહિનામાં વિશ્વામિત્રીમાં નદીમાં રહેતા 10 ફૂટના મગરનું મોત થતાં મગરપ્રેમીઓએ શહેરમાં વિશ્વામિત્રી નદીના ઘાટ પર એક્ત્ર થયા હતા અને શ્રદ્ધાંજલિ સભા (બેસણું) રાખ્યું હતું. છેલ્લા કેટલાક મહિનામાં થયેલા મગરના મોતને લઈ સૌએ શોક વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ વખતે શહેરમાં ઘણી વખત મગર જોવા મળે છે. વિશ્વામિત્રી નદીને મગરોની નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્વામિત્રી નદીમાં 450થી 1,000થી વધુ મગર હોવાનો અંદાજ છે. કેટલાક અહેવાલો અનુસાર, વડોદરા જિલ્લામાં નદીઓ અને તળાવો સહિત કુલ 1,000થી વધુ મગર વસે છે.

આ ઉપરાંત ચોમાસા દરમિયાન, જ્યારે નદી બે કાંઠે વહે છે અથવા શહેરમાં પાણી ભરાય છે, ત્યારે મગરો ઘણીવાર રહેણાંક વિસ્તારોમાં ઘૂસી આવે છે. આવા સમયે મગરના હુમલાના બનાવો પણ બનતા હોય છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ રહે છે.

આપણ વાંચો : Vadodara ની વિશ્વામિત્રી નદીના રિડેવલપમેન્ટ માટે 1200 કરોડના પેકેજની મંજૂરી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button