Top Newsવડોદરા

કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ વડોદરાના સાંસદ અને મેયરને કેમ ખખડાવ્યા? જાણો શું કહ્યું

વડોદરાઃ શહેરમાં યોજાયેલા રોજગાર મેળામાં વિવિધ વિભાગો સાથે સંબંધિત કુલ 86 લોકોને નિમણૂક પત્રો મેળવ્યા હતા. કેન્દ્રિય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાના હસ્તે ઉમેદવારને નિયુક્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જેમાં કેન્દ્રીય સંચાર અને પૂર્વોત્તર વિસ્તાર વિકાસ પ્રધાન સવારના 10.22 કલાકે સ્ટેજ પર પહોંચી ગયા હતા, પરંતુ વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોષી અને મેયર પિન્કીબેન સોની 10.30 વાગ્યે પહોંચ્યાં હતાં, જેથી જ્યોતિરાદિત્ય સિંધિયા નારાજ થયા હતા. બન્નેને સ્ટેજ પર જ તમે બન્ને લેટ આવ્યાં છો તેમ સ્પષ્ટ સંભળાવી દીધું હતું.

શું છે મામલો

મળતી વિગત પ્રમાણે, જ્યોતિરાદિત્ય સિંધિયા નિર્ધારીત સમય પ્રમાણે સ્ટેજ પર આવીને બેસી ગયા હતા, પરંતુ તેની બાજુમાં રહેલી સાંસદ અને મેયરની ખુરશી ખાલી હતી. આશરે 7 થી 8 મિનિટ સુધી તેમણે બંનેની રાહ જોઈ હતી. જેવા સાંસદ અને મેયર આવ્યા તરત જ તેમણે કહ્યું કે, વી ઓલરેડી લેટ, લેટ્સ સ્ટાર્ટ. આમ, સ્થાનિક નેતાઓ પ્રત્યે તેમના ચહેરા પર ભારોભાર નારાજગી જોવા મળી હતી.

આ પણ વાંચો: 6G ટેકનોલોજી મુદ્દે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કરી મોટી જાહેરાત, ઇન્ટરનેટની સ્પીડ આટલી વધશે

સાંસદે શું કરી સ્પષ્ટતા?

આ સમગ્ર ઘટનાક્રમ અંગે સાંસદ હેમાંગ જોષીએ સ્પષ્ટતા કરી હતી કે, ગ્રાઉન્ડ ફ્લોર પર ગુજરાતની રિવ્યૂ મિટિંગ ચાલી રહી હતી. આથી, તેઓ અને અન્ય સાથીઓ સર્કલ ઓફિસરની ઓફિસમાં ઉપરના માળે બેઠા હતા. તેમને લાગ્યું હતું કે સાહેબ ઉપર આવશે અને પછી બધા સાથે મળીને કાર્યક્રમમાં જઈશું. પરંતુ બન્યું એવું કે સાહેબ ફ્રેશ થવાને બદલે સીધા ઓડિટોરિયમમાં જ જતા રહ્યા હતા. વળી, કોઈએ સાહેબને જાણ પણ ન કરી કે અમે લોકો પહેલેથી જ આવી ગયા છીએ અને ઉપર બેઠા છીએ. જ્યારે સાહેબે તેમને પૂછ્યું કે ‘હું વડોદરાનો જમાઈ છું અને તમે લોકો મારા પછી કેમ આવ્યા?’ ત્યારે ડૉ. જોષીએ સ્પષ્ટતા કરી કે, ‘અમે તો ઉપર જ હતા, અમને એમ હતું કે તમે અમને મળવા ઉપર આવશો.’ તેમણે વધુમાં જણાવ્યું કે કાર્યક્રમ નિર્ધારિત સમય કરતાં વહેલો શરૂ થઈ ગયો હતો, જેના કારણે આ ગેરસમજ થઈ હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button