વડોદરામાં જગદીશ પંચાલે કરી બાઈક સવારી, કહ્યું – હું પણ તમારી જેમ એક કાર્યકર્તા હતો અને આજે…

વડોદરાઃ ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ હાલ રાજ્યના વિવિધ શહેરોનો પ્રવાસ કરી રહ્યા છે. જે અંતર્ગત તેઓ વડોદરાની મુલાકાતે આવ્યા હતા. તેઓ બાઈક પર સવારી કરીને સભા સ્થળે પહોંચ્યા હતા. સંબોધન દરમિયાન તેમણે કહ્યું, હું તમારી જેમ સામાન્ય કાર્યકર્તા જ હતો અને આજે તમારી સામે છું, દરેક કાર્યકરની કદર ભાજપે કરી છે. સામાન્ય પરિવારનો દીકરો પ્રદેશ પ્રમુખ બને તો નવાઈ નહીં.
ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ વડોદરામાં યોજાયેલી યુવા રેલીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. યુવાઓના ભારે જોશ અને ઉત્સાહથી પ્રભાવિત થઈને તેઓ પોતે પણ બાઇક પર સવાર થઈને રેલીમાં જોડાયા હતા. પ્રદેશ પ્રમુખે યુવા કાર્યકર્તાઓના જોમ અને જુસ્સાને બિરદાવતા કહ્યું હતું કે, “હાઉ ધ જોશ… એવા જોશ સાથે યુવાઓએ રેલીમાં રંગ રાખ્યો છે. મને મારી 1990ની યુવા કાર્યકાળની યાદ આવી ગઈ. યુવાનોનો ઉત્સાહ જોઈને જ હું બાઇકમાં બેસીને રેલીમાં આવ્યો છું. મને એક ફિલ્મનો ડાયલોગ યાદ આવ્યો, ‘હાઉ ધ જોશ!’ ઈમારત ગમે એટલી મોટી હોય, પણ એમાં પાયાની ઇંટનું મહત્વ હોય છે, અને આજે વડોદરાની ધરતી પર તમને બધાને આ પાયાની ઇંટ બનવાનો લહાવો મળ્યો છે.
આ પણ વાંચો : ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ ગુજરાત ભ્રમણ અંબાજીથી કરશે શરૂઆત, દિવાળી પછી નવાજૂની
તેમણે પોતાના સંબોધનમાં વડોદરાના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, હોદ્દેદારો, પૂર્વ સાંસદ અને સંસદ સભ્યો સહિતના નેતાઓને નામ લઈને યાદ કર્યા હતા. તેમણે વડોદરાના વિકાસની વાત કરતાં કહ્યું કે,વિદેશની ધરતી પર જઈએ ત્યારે પણ છાતી ગજ ગજ ફૂલે છે. પોતાના ઉદાહરણ દ્વારા તેમણે કાર્યકરોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, “હું તમારી જેમ એક સામાન્ય કાર્યકર્તા જ હતો અને આજે તમારી સામે છું. ભાજપે દરેક કાર્યકરની કદર કરી છે. સામાન્ય પરિવારનો દીકરો પ્રદેશ પ્રમુખ બને તો એમાં નવાઈ નથી.
આ પણ વાંચો : ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ આવતીકાલે રાજકોટમાં: જૂના જોગીઓ પર કેમ રહેશે ખાસ નજર?
પ્રદેશ પ્રમુખે અંતમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના નારાને યાદ કરાવ્યો હતો. તેમણે યુવાનોને વિનંતી કરી કે, દેશના વડા પ્રધાને આત્મનિર્ભરનો જે નારો આપ્યો છે, ઇન્ડસ્ટ્રીઝમાં ભારતનો કારીગર કામ કરી રહ્યો છે. મારી બધાને વિનંતી છે કે, આ દિવાળીમાં સ્વદેશી વસ્તુઓ જ ખરીદો. જો 140 કરોડ લોકો સ્વદેશી વસ્તુઓ ખરીદશે, તો કોઈ આપણને હંફાવી નહીં શકે.