ગંભીરા પુલ દુર્ઘટના પછી બનાસકાંઠા ક્લેક્ટર હરકતમાં: 149 બ્રિજના સેફ્ટી ઓડિટનો રિપોર્ટ મહિનામાં આપવાની માગ

પાલનપુર: વડોદરા જિલ્લામાં સર્જાયેલા ગંભીરા પુલ દુર્ઘટનાને ધ્યાને લઈને રાજ્ય સરકારે તમામ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત પુલની વર્તમાન પરિસ્થિતિની ચકાસણી કરવાનો આદેશ આપ્યો છે.
બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલ દ્વારા તકેદારીના ભાગરૂપે જિલ્લામાં અલગ અલગ ટીમ બનાવી વિવિધ પુલોનું નિરીક્ષણ તથા સેફ્ટી ઓડિટ હાથ ધરવામાં આવ્યું હતું. આગામી એક મહિનામાં તમામ બ્રિજનું સેફ્ટી ઓડિટ પૂર્ણ કરી સરકારને રિપોર્ટ સબમિટ કરવામાં આવશે.
આપણ વાંચો: ગંભીરા પુલ દુર્ઘટના: સીએમના આદેશ બાદ 4 એન્જિનિયર સસ્પેન્ડ, અન્ય પુલોની તપાસના આદેશ…
રતનપુર – મેરવાડા સ્થિત બ્રિજનું નિરીક્ષણ કર્યું
જિલ્લા કલેકટરરે ટેકનિકલ ટીમ સાથે નેશનલ હાઈવે નંબર 58 રતનપુર – મેરવાડા સ્થિત બ્રિજનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે આ બ્રિજ ક્રિટિકલ હાલતમાં નથી તેવું જાણવા મળ્યું છે. ડિઝાઇન સર્કલની ટીમ દ્વારા વિશેષ ટેકનિકલ ઓડિટ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સરકાર દ્વારા રતનપુર – મેરવાડા ખાતે નવીન બ્રીજ બનાવવા મંજૂરી આપવામાં આવી છે અને તેના માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. જુલાઈ ૨૦૨૫ના અંત સુધીમાં નવો બ્રિજ બનાવવા વર્ક ઓર્ડર આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આપણ વાંચો: ગંભીરા પુલ દુર્ઘટનામાં 9 લોકોના કરૂણ મોત, રાજ્ય અને કેન્દ્ર સરકારે જાહેર કરી સહાય
149 બ્રિજના ઇન્સ્પેક્શન માટે ટીમનું ગઠન
જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે બનાસકાંઠામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના અંદાજે 47, પંચાયત વિભાગના 28 તથા રેલવેના 24 સહિત સમગ્ર જિલ્લામાં નાના મોટા કુલ 149 બ્રિજના ઇન્સ્પેક્શન માટે અલગ અલગ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. આ ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ અને સેફ્ટી ઓડિટ હાથ ધરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે ઇકબાલગઢ સ્થિત આવેલા ખારા બ્રિજ ખાતે મરમ્મતની જરૂરિયાત હોઈ ભારે વાહનોના પ્રતિબંધ બાબતે પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
નડાબેટ રોડ પર આવેલ બ્રિજનું નિરીક્ષણ

પાલનપુર પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ અને ટેકનિકલ ટીમ દ્વારા વડગામ તાલુકામાં આવેલા સિસરાણા-ચિત્રોડા બ્રિજનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
સુઈગામ પ્રાંત અધિકારી દ્વારા માર્ગ અને મકાન વિભાગની ટેકનિકલ ટીમ સાથે સૂઇગામ-જલોયા-નડાબેટ રોડ પર આવેલ કુલ 2 માઈનોર બ્રિજ તથા ભાભર તાલુકામાં ભાભર નેશનલ હાઈવેથી વાવડી જતા આવેલ 1 બ્રિજનું , ભારત માલાના 2 અને નર્મદાના 2 બ્રિજનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
નિરીક્ષણ કર્યા બાદ કોઈ પણ પુલમાં કોઈ મોટી ખામી જોવા મળી નહોતી. ટેકનીકલ ખામીઓ જેવી કે પાણી ભરાઈ જતું હોય, પાણીના નિકાલમાં અવરોધ હોય તો તેને તાત્કાલિક રીપેરીંગ કરવા માટે સૂઇગામ પ્રાંત અધિકારીએ સબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.