સર્પમિત્રનો ચમત્કારઃ વડોદરામાં યુવકે ઝેરી સાપને CPR આપી નવજીવન આપ્યું

વડોદરાઃ થોડા દિવસ પહેલા વલસાડમાં એક યુવકે સાપને સીપીઆર આપી જીવ બચાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. વલસાડ બાદ વડોદરામાં પણ આવી જ ઘટના સામે આવી હતી.
શું છે મામલો
મળતી વિગત પ્રમાણે, વલસાડની પારડીની એક ખાનગી શાળાના કેમ્પસમાં ગઇકાલે બે સાપ જોવા મળતા સંચાલકોએ જીવદયા ગૃપનો સંપર્ક કર્યો હતો. જીવદયા ગ્રુપના કાર્યકરોએ શાળામાં પહોંચીને એક સાપને સુરક્ષિત પકડી લીધો હતો. જોકે, બીજા સાપને બચાવવાનો પ્રયાસ કરતી વખતે લાકડાનો મોટો જથ્થો તેના પર પડ્યો હતો. આ દુર્ઘટનામાં સાપને ગંભીર ઈજા પહોંચી હતી અને તેની શ્વાસનળી દબાઈ જવાથી શ્વાસોશ્વાસની ક્રિયા બંધ થઈ ગઈ હતી અને સાપ અર્ધબેભાન થઇ ગયો હતો.
સાપ અર્ધબેભાન થઇ જતા સાપને બચાવવા માટે જીવદયા ગ્રુપના કાર્યકર તેને ખુલ્લા મેદાનમાં લાવ્યા હતા અને પહેલા હાથેથી પમ્પિંગ કર્યું હતું, પરંતુ કોઈ હલચલ ન થતાં તેમણે પ્લાસ્ટિકની સ્ટ્રોની મદદથી જોખમ ખેડીને સાપના મોઢામાં નીચેના ભાગે આવેલી શ્વાસ નળીમાં સ્ટ્રો નાખીને પાંચથી સાત વાર પોતાના મોઢેથી ફૂંક મારી CPRઆપ્યો હતો. થોડીવાર બાદ સાપમાં હલચલ થવા લાગી અને તેની શ્વાસનળી ફરી શરૂ થઈ હતી, જેનાથી તેને નવજીવન મળ્યું હતું.
તાજેતરમાં વલસાડના નાનાપોંઢા ગામમાં જીવદયાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું હતું. અહીં એક વીજળીના કરંટથી બેભાન થઈને નીચે પડી ગયેલા સાપને વાઇલ્ડ રેસ્ક્યૂ ટ્રસ્ટના એક બહાદુર સભ્યએ સમયસર સી. પી. આર. (CPR) આપીને ન માત્ર બચાવ્યો, પરંતુ તેને નવજીવન આપ્યું હતું. સામાન્ય રીતે લોકો સાપને જોઈને ડરી જતા હોય છે, પરંતુ આ રેસ્ક્યૂઅરે સત્વરે મદદ કરીને જીવ બચાવવાનું કામ કર્યું હતું, જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. એક બિન-ઝેરી ધામણ સાપ અજાણતા જ એક વીજળીના તારને અડી ગયો હતો. જોરદાર વીજળીનો કરંટ લાગવાથી તે સાપ લગભગ 15 ફૂટ નીચે જમીન પર પટકાયો અને શ્વાસ લેવાનું બંધ થઈ ગયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
આ ઘટનાની જાણ થતાં જ વાઇલ્ડ રેસ્ક્યૂ ટ્રસ્ટની ટીમને બોલાવવામાં આવી. સંસ્થાના અનુભવી રેસ્ક્યૂઅર મુકેશ વાયડ તુરંત ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તેમણે જોયું કે ધામણ સાપની હાલત ગંભીર છે અને તેના શ્વાસ લગભગ અટકી ગયા છે. સમયની ગંભીરતાને પારખીને મુકેશ વાયડે સહેજ પણ મોડું કર્યા વિના સાપને જીવતદાન આપવાનો નિર્ણય લીધો હતો.
મુકેશ વાયડે અસામાન્ય હિંમત દર્શાવતા મનુષ્યની જેમ જ સાપને માઉથ-ટુ-માઉથ હવા ભરીને સીપીઆર આપવાનું શરૂ કર્યું. લગભગ 25 મિનિટ સુધી સતત અને અથાક પ્રયત્ન કર્યા પછી, રેસ્ક્યૂઅરે સાપના શરીરમાં ઓક્સિજન પહોંચાડ્યો હતો. આ પ્રયત્નોના પરિણામે, ધીમે ધીમે સાપમાં હિલચાલ કરી હતી અને ફરી શ્વાસ પાછા ચાલવા લાગ્યા હતા. રેસ્ક્યૂઅરના આ સાહસ અને સમયસૂચકતાને કારણે એક વન્યજીવનો જીવ બચી ગયો હતો.



