વડોદરામાં ભારે તબાહી : 50 લાખની કાર પાણીમાં ડૂબતાં યુઝર્સે કહ્યું….
વડોદરા: છેલ્લા દિવસોમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં પડી રહેલા ભારે વરસાદના પગલે રાજ્યના અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. ભારે વરસાદને પરિણામે જોખમથી ઉગારવા 18,000 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું જ્યારે 300 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં ભારે પૂરની પરિસ્થિતિથી 29 લોકો મોતને શરણ થયા છે. ભારતીય હવામાન વિભાગે 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે.
આ વરસાદમાં વડોદરાના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર પોસ્ટમાં જણાવ્યું હતું કે અતિશય વરસાદને કારણે તેણે ત્રણ કાર પાણી ભરાવાના લીધે ગુમાવી છે. વડોદરાના એક રહેવાસીએ Reddit પર પોસ્ટમાં પાણીના ભરાવાને લીધે ડૂબેલી ત્રણ કારની પોસ્ટ શેર કરી હતી. પોસ્ટમાં જે ત્રણ કારની તસવીરો શેર કરવામાં આવી હતી જેમાં મારુતિ સુઝુકી સિયાઝ, ફોર્ડ ઇકોસ્પોર્ટ અને Audi A6 પણ છે જેની કિંમત 50 લાખ રૂપિયાથી વધુની છે. આ તમામ કારો એક રાતમાં જ પડેલા વરસાદના લીધે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.
આ પણ વાંચો: Weather: ગુજરાત પર હજી પણ વરસાદનો ખતરો, સૌરાષ્ટ્ર અને કચ્છ માટે Red Alert
તેમણે પાણીમાં ડૂબેલી ત્રણે કારના ફોટા સાથે કરેલી પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે “હવે જીવવા માટે કંઈ બચ્યું નથી…મારા ફ્લોરમાં રહેલી તમામ 3 કારનું હવે પૂરું થઈ ગયું છે,”
આ સાથે જ તેમણે કમેન્ટ સેકશનમાં જણાવ્યું હતું કે ઘરની બહાર આઠ ફૂટ સુધી પાણી ભરાયું છે અને વાહનને ખેંચવા માટે આવી શકે તેવી કોઇ સ્થિતિ નથી. તેમણે જણાવ્યું હતું કે આની પહેલા પણ મારી બે સોસાયટીમાં મારી બીજી કાર સાથે અને આ નવા ઘરે ચાર વર્ષમાં પ્રથમ વખત લગભગ ત્રીજી વખત હું આ સમસ્યાનો ભોગ બન્યો છું. ઘરની બહાર સાત-આઠ ફૂટ જેટલું પાણી ભરાયું છે અને કોઇ અંદર આવી શકતુ નથી કે નથી કોઇ બહાર જઈ શકતું.
તેમની પોસ્ટ બાદ બીજા ઘણા યુઝર્સે પણ કમેન્ટ કરી હતી લગભગ એક હજાર જેટલી કમેન્ટસ્ કરી હતી. તેમાં યુઝર્સે પોતાની આપવીતી જણાવી હતી, જેમાં એક યુઝરે કહ્યું હતું કે હું જ્યારે કાર લઈને જતો હતો ત્યારે પાણીમાં મારી કાર બંધ થઈ ગઈ અને લગભગ મારી બારીઓ સુધી પાણી પહોંચી ગયું હતું. જો કે લોકો મને જોઇ જતાં મને અને મારી કારને બહાર કાઢી હતી. ત્યારબાદ બે મહિનામાં પૈસાના ખર્ચ બાદ મારી કારનું એન્જિનનું સમારકામ થયું. આથી હું કહીશ કે જ્યાં સુધી તમે જીવો છો અને સ્વસ્થ છો ત્યાં સુધી આ દુનિયામાં કંઈપણ ગુમાવ્યું નથી.”