વડોદરામાં 103 મકાન માટે લાખો લોકોની પડાપડી: મકાનોના ફોર્મ માટે કતારો લાગી…
વડોદરાઃ શહેરમાં ઘરનું ઘર મેળવવા લોકોનો જબરદસ્ત ધસારો જોવા મળી રહ્યો છે. શહેરમાં પ્રધાન મંત્રી આવાસ યોજનાના ઇડબલ્યુએસના 103 ખાલી પડેલા મકાનો માટે ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જો કે મકાનનું એક ફોર્મ મેળવવા માટે શહેરમાં લાંબી લાઈનો હતી. શહેરમાં 103 મકાન મેળવવા લાખો લોકોએ પડાપડી કરી હતી. કોટક મહિન્દ્ર બેંકની તમામ બ્રાન્ચો બહાર વહેલી સવારથી જ કતાર જોવા મળી હતી. 5.50 લાખ રૂપિયામાં 2 બીએચકે ઘર આપવાની જાહેરાત કરાઈ છે અને 20 જાન્યુઆરી સુધી મકાન માટે ફોર્મ મળશે. જોકે કોટક મહિન્દ્ર બેંકમાં ફોર્મની અછતના કારણે લોકો રોજ ધક્કા ખાઈ રહ્યા છે.
આ પણ વાંચો : અમદાવાદ, સુરતની સગર્ભા અને ધાત્રી માતાઓ આ સરકારી યોજનાનો લાભ લેવામાં મોખરે, મળે છે 12 હજારની સહાય
શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી કોટક મહિન્દ્રા બેંકની બ્રાન્ચ દ્વારા આવાસ યોજનાના ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. વડોદરામાં ઘરના ઘરનું સપનું જોતાં ગરીબ પરિવારના લોકોની લાંબી લાઈનો લાગી હતી, જોકે પહેલી તારીખથી ફોર્મની અછત હોવાનું જાણવા મળ્યું હતું. જેને કારણે અરજદારોને સવાર- સવારમાં ધક્કો પડી રહ્યો છે. વહેલી સવારથી ઘરનું ઘર મેળવવા લોકો પોતાના નાના બાળકોને ઘરે મૂકી ઠડીમાં ફોર્મ મેળવવા લાઈનમાં ઉભા રહે છે અને છેલ્લે નિરાશા જ સાંપડી રહી છે. ફોર્મ વિતરણ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી હતી.