રાજકોટ બાદ વડોદરામાં પણ 15 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત થશે

વડોદરાઃ રાજ્કોટમાં બે દિવસ પહેલા ફરજિયાત હેલ્મેટ લાગુ કરવામાં આવ્યું હતું. પોલીસે પ્રથમ દિવસે લોકોને દંડ પણ કર્યો હતો. જોકે બીજા દિવસે નાટ્યાત્મક રીતે પોલીસે ગુલાબ આપીને લોકોને હેલ્મેટ પહેરવા સમજાવ્યા હતા અને દંડ પણ નહોતો કર્યો.
રાજકોટ બાદ વડોદરામાં પણ 15 સપ્ટેમ્બરથી ફરજિયાત હેલ્મેટ લાગુ કરવામાં આવશે. આ માટે શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા પબ્લિક એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વડોદરા સિટીમાં પૂર્વ અને પશ્ચિમ વિભાગના ટ્રાફિકના તમામ પીઆઈ, એસીપી, ડીસીપી વિવિધ ટીમો બનાવીને એનાઉન્સ કરી રહ્યા છે અને લોકોવધુમાં વધુ હેલ્મેટ પહેરે તે અંગે સિસ્ટમ દ્વારા સમજાવી રહ્યા છીએ. શહેરના અલગ અલગ ચાર રસ્તા પર સવારે 10 થી 12 અને સાંજે 5 થી 7 વાગ્યા સુધી ઝુંબેશ ચલાવવામાં આવશે.
આપણ વાંચો: રાજકોટમાં ‘ફરજિયાત હેલ્મેટ’ ડ્રાઈવ મુદ્દે સ્થાનિકોનો વિરોધઃ કોંગ્રેસ અને ‘આપ’એ ઝંપલાવ્યું
આ ઉપરાંત સૂત્રોએ એમ પણ કહ્યું કે, 15 સપ્ટેમ્બર પછી જો કોઈ હેલ્મેટ નહીં પહેરે તો તેની સામે દંડનીય કાર્યવાહી પણ કરાશે. ઈ-ચલણની સાથે કોર્ટનું ચલણ પણ આપવામાં આવશે. લોકોની સુરક્ષા અમારું પ્રથમ પ્રાધાન્ય છે, દંડ વસૂલવો નહીં.
સ્થાનિકોએ શું કહ્યું
સ્થાનિકોએ કહ્યું કે, માર્ગ સલામતી માટે જે સરકારની પ્રતિબદ્ધતા છે, એમની અમે કદર કરીએ છીએ. આપણી સૌની ફરજ છે કે આપણી સુરક્ષા આપણે જાતે કરવી જોઈએ.
પરંતુ હાલમાં જે તમે જુઓ છો કે વડોદરાની અંદર તમામ રોડ રસ્તા ખાડા-ટેકરાવાળા છે. પ્રાથમિકતા સૌ પ્રથમ તંત્રએ રોડ રસ્તાને સુધારવાની જરૂરિયાત છે. ત્યારબાદ તમે આ હેલ્મેટને ફરજિયાત કરો, એનો અમને કોઈ વાંધો નથી.
આપણ વાંચો: રાજકોટમાં હેલ્મેટ ફરજિયાત નહીંઃ પૂર્વ પ્રધાન ગોવિંદ પટેલે મુખ્ય પ્રધાનને લખ્યો પત્ર
કુમાર કાનાણીએ પણ કર્યો વિરોધ
તાજેતરમાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ રાજકોટમાં થયેલા વિરોધ બાદ સુરત સહિત સમગ્ર રાજ્યમાં લોકોને હેલ્મેટ પહેરવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકારને આ કાયદા પર ફરીથી વિચારણા કરવા વિનંતી કરી હતી. કુમાર કાનાણીએ જણાવ્યું કે હેલ્મેટ ફરજિયાત છે તે વાત સાચી છે, પરંતુ લોકો આ નિયમનો જોરદાર વિરોધ કરી રહ્યા છે.
રાજકોટમાં આ વિરોધ પછી પોલીસે કાર્યવાહી હળવી કરી છે, અને હવે અન્ય શહેરોના ધારાસભ્યો પણ આ મુદ્દે સરકારને રજૂઆતો કરી રહ્યા છે. તેઓ કહે છે કે આ સમસ્યા ફક્ત એક શહેર પૂરતી સીમિત નથી, પરંતુ સમગ્ર રાજ્યમાં ફેલાયેલી છે.