વડોદરામાં હેડ કોન્સ્ટેબલે દારૂના નશામાં હોબાળો કર્યો, પોલીસ સ્ટેશન લીધું માથે…

વડોદરાઃ ગુજરાતમાં કડક દારૂબંધીના દાવા વચ્ચે વધુ એક વીડિયો વાયરલ થયો હતો. વડોદરા શહેરમાં હેડ કોન્સ્ટેબલે દારૂના નશામાં ધમાલ કરી હતી. જેનો કોઈ સ્થાનિકે વીડિયો ઉતારીને વાયરલ કર્યો હતો.
હેડ કોન્સ્ટેબલને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો ત્યાં પણ ગાળાગાળી કરી હતી. તેમજ પોલીસ મથકને માથે લીધું હતું.
મળતી વિગત પ્રમાણે, વરણામા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અમિત પર માર નોકરી પૂરી કરીને રહેણાંક મકાને આવ્યા ત્યારે નશાની હાલતમાં હતા. સોસાયટીના ગેટ પર તેમણે સ્થાનિકો સાથે ગાળાગાળી કરી હતી.
જેથી ત્યાં ઉપસ્થિત કોઈ વ્યક્તિએ તેનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. ઘટના અંગે સ્થાનિકે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા અમિત પરમાર વિરુદ્ધ પ્રોહિબીશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
સ્થાનિકોના કહેવા મુજબ, હેડ કોન્સ્ટેબલ અવાર નવાર નશામાં ધૂત થઈને આવે છે અને લોકોને હેરાન કરે છે. એક મહિના પહેલા તેણે મોટો અકસ્માત કર્યો હતો.
જેને લઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ પીઆઈ અને પીએસઆઈની વિનંતીથી કેસ પાછો ખેંચીને સમાધાન કર્યું હતું. જ્યારે તે નશો કરીને આવે છે ત્યારે તેને વાહન ચલાવવાનો કોઈ હોશ હોતો નથી.
આ પણ વાંચો…દારૂની બોટલ પરથી ટેક્સ દુર કરાય તો થાય આટલી સસ્તી, જાણો સરકાર કેટલો ટેક્સ વસુલે છે ?