હરણી તળાવ દુર્ઘટનાના પીડિતોને રૂ.1.2 કરોડ ચૂકવવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ | મુંબઈ સમાચાર

હરણી તળાવ દુર્ઘટનાના પીડિતોને રૂ.1.2 કરોડ ચૂકવવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ

વડોદરાઃ વડોદરાની હરણી તળાવ દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે તળાવના સંચાલન માટે જવાબદાર કોન્ટ્રાક્ટર કંપની મેસર્સ કોટિયા પ્રોજેક્ટ્સે જે રૂ.1.2 કરોડથી વધુની વળતર રકમ જમા કરાવી છે, તે રકમ હરણી તળાવમાં 18 જાન્યુઆરી, 2024 ના રોજ થયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બાર બાળકો અને બે શિક્ષકોના પરિવારજનોને વિતરીત કરવામાં આવે.

અરજદારો તરફથી રજૂ થયેલા સિનિયર વકીલે જણાવ્યું હતું કે રૂ.81,99,664 અને રૂ.30,74,880 ની રકમ ડેપ્યુટી કલેક્ટર વડોદરા પાસે જમા કરાવવામા આવી છે અને તે રકમ પીડિત પરિવારજનોને આપી દેવા સામે કોઈ વાંધો નથી.

આપણ વાંચો: વડોદરાના હરણી તળાવમાં બોટની જળસમાધિ ૧૬નાં મોત

આ નિવેદનના આધારે ન્યાયમૂર્તિ બી.વી. નાગરત્ન અને ન્યાયમૂર્તિ કે.વી. વિશ્વનાથનની બેન્ચે વડોદરા ડેપ્યુટી કલેક્ટરને છ અઠવાડિયામાં આ રકમ ચુકવવાનું સૂચન કર્યું હતું. કોર્ટે ગુજરાત હાઈ કોર્ટના પૂર્વ આદેશ અંગે પણ નોંધ લીધી હતી.

હાઈ કોર્ટ દ્વારા કોન્ટ્રાક્ટર પેઢીને લગભગ રૂ.4 કરોડ વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આના વિરુદ્ધ પેઢીએ સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન (એસએલપી) અરજી દાખલ કરી હતી.

આપણ વાંચો: વડોદરા હરણી તળાવમાં બોટ ઊંધી વળી: 12ના મૃત્યુ, આંકડો વધી શકે!

કોટિયા પ્રોજેક્ટ્સે શું કરી દલીલ

ગુજરાત હાઈ કોર્ટમાં કોટિયા પ્રોજેક્ટ્સે દલીલ કરી હતી કે તળાવ માટે વીમો લેવામાં આવ્યો છે અને વીમા કંપનીને પણ કેસમાં સામેલ કરવી જોઈએ. જોકે, સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટે આ વિનંતી નામંજૂર કરી હતી અને હાઇકોર્ટે પણ સ્પષ્ટ કર્યું હતું કે આંતરિક વિવાદો કે વીમા કવરેજ પેઢીની જવાબદારીથી મુક્તિ આપી શકતા નથી.

હાઈ કોર્ટે ફેબ્રુઆરી 2025માં આપેલા આદેશમાં પેઢીને રૂ.3.5 કરોડથી વધુની રકમ ચાર હપ્તામાં જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. પ્રથમ 25 ટકા હપ્તો 31 માર્ચ, 2025 સુધી જમા કરાવવાનો હતો. આ નિર્ણય સામે પેઢીએ સમીક્ષા અરજી કરી હતી અને દાવો કર્યો હતો કે તેમના અગાઉના વકીલને વધુ જવાબદારી સ્વીકારવાનો અધિકાર નહોતો.

આપણ વાંચો: પ્રેરણા લઈ શકાય તેવી વાત: કચ્છના આ તળાવની સફાઈ એક વૃદ્ધ નાગરિક 17 વર્ષથી કરે છે…

સમીક્ષા અરજી ફગાવી હતી

આ સમીક્ષા અરજી પણ 9 મે, 2025ના રોજ હાઈ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. હાઈ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે પહેલા આપેલો આદેશ માત્ર વકીલના નિવેદન પર આધારિત નહોતો અને કોર્ટે તમામ પાસાંઓનું સ્વતંત્ર મૂલ્યાંકન કર્યા બાદ પેઢીને જવાબદાર ઠેરવી હતી.

સુપ્રીમ કોર્ટે હવે સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે ડેપ્યુટી કલેક્ટર, વડોદરા પેઢીની જમા કરેલી રકમ પીડિત બાળકોના માતાપિતા અને શિક્ષકોના પરિવારજનોને વહેંચી આપે. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટે પેઢીને હાઈ કોર્ટમાં પેન્ડિંગ પીઆઈએલમાં તેના ભાગીદારો અને વીમા કંપનીને પક્ષકાર બનાવવા માટે સ્વતંત્રતા આપી છે.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button