
વડોદરાઃ ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 1,029 કરોડની વીજચોરીના કેસ નોંધાયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, છેલ્લા બે વર્ષમાં ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડની ચાર પેટા કંપનીઓ – ડીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ અને પીજીવીસીએલ દ્વારા કુલ 38.59 લાખ વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. તેમાંથી 2.82 લાખ ગ્રાહકો વીજચોરી કરતા પકડાયા હતા. આ ગ્રાહકોને દંડ સાથે વીજ ચોરીની રકમ ભરવા જણાવવામાં આવ્યું હતું, પરંતુ તેમાંથી 1.52 લાખ ગ્રાહકોએ રૂ. 1,029 કરોડની રકમ ન ભરતા તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
વીજચોરીના સૌથી વધુ બનાવો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના વિસ્તારમાં નોંધાયા હતા, જેમાં સૌરાષ્ટ્રનો સમાવેશ થાય છે. વર્ષ 2023-24માં પીજીવીલીએલમાં 82,126 વીજચોરીના કિસ્સાઓ પકડાયા હતા, જ્યારે 2024-25માં આ આંકડો 63,198 હતો. બે વર્ષમાં પીજીવીસીએલ વિસ્તારમાં કુલ 54,900થી વધુ ગુના દાખલ થયા હતા, જે અન્ય તમામ કંપનીઓ કરતા ઘણા વધારે છે.
આ પણ વાંચો: સંભલ હિંસાઃ જામા મસ્જિદ નજીક અતિક્રમણ અને વીજ ચોરી કરનારા સામે સરકાર એક્શનમાં
ઉલ્લેખનીય છે કે, વીજચોરી કરતા ગ્રાહકો એટલા બેફામ બન્યા છે કે તેઓ વીજ ચેકિંગ માટે આવતી ટીમો પર હુમલો કરતા પણ ખચકાતા નથી. છેલ્લા બે વર્ષમાં વીજ કર્મચારીઓ અને પોલીસ કાફલા પર પથ્થરમારો અને હુમલા કરવામાં આવ્યા હોવાના 61 બનાવ બન્યા હતા. આ બનાવોમાં પણ સૌથી વધુ બનાવો પીજીવીસીએલના વિસ્તારમાં બન્યા હતા.