વડોદરામાં ગરબામાં યુવકે યુવતીને હોઠ પર કરી કિસ, પોલીસે શું કહ્યું

વડોદરાઃ યુનાઈટેડ વે ના ગરબામાં વધુ એક વિવાદ થયો હતો. નવરાત્રીની શરૂઆતમાં કાદવ કીચડમાં ગરબા રમાડ્યનો વિવાદ શાંત થયો નહોતો ત્યાં એક કપલનો કિસ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓની હાજરીમાં જ એકબીજાને જાહેરમાં કિસ કરી અને પત્નીને ઊંચકી લઈ અશ્લીલ હરકત કરતીરિલ બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી. ગરબામાં જ અશ્લીલ હરકતનો વીડિયો સામે આવતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને વિવાદ છેડાયો હતો.
કપલ રહે છે ઓસ્ટ્રેલિયામાં
આ ઘટનાના પગલે પોલીસે કપલને બોલાવી પૂછપરછ કરતા જાણવા મળ્યુ હતુ કે આ કપલ છેલ્લા 16 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં સ્થાયી છે અને એક અઠવાડિયા પહેલા માંજલપુરમાં રહેતા માતા-પિતાને મળવા આવ્યા હતા. કપલ પૈકી પતિ ઓસ્ટ્રેલિયામાં સ્કુલનું સંચાલન કરે છે અને તેની પત્ની શિક્ષિકા છે. આ ઘટના બાદ તેઓ ઓસ્ટ્રેલિયા પરત જતા રહેવાના છે.
પોલીસે શું કહ્યું
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સત્તાવાળાઓ આયોજકો સામે કડક કાર્યવાહી કરી શકે છે. આ ઘટના, નવરાત્રીના પરંપરાગત ભક્તિમય મૂલ્યો અને સોશિયલ મીડિયાથી પ્રેરિત ધ્યાન ખેંચવાના વલણ વચ્ચેના તણાવને પ્રકાશિત કરે છે. નવરાત્રી એ માતાજીને સમર્પિત નવ-દિવસીય ઉત્સવ છે, જેમાં ગરબા ઐતિહાસિક રીતે દેવી માતા પ્રત્યે આદરભાવથી કરવામાં આવતી ધાર્મિક પ્રથા છે, પરંતુ પાર્ટી પ્લોટ અને જાહેર સ્થળો પરના આધુનિક વલણોને કારણે ક્યારેક અનાદરપૂર્ણ વર્તન જોવા મળે છે.
આ મામલે વકીલે અટલાદરા પોલીસ મથકે બંને વિરૂદ્ધ ગુનો દાખલ કરવા અરજી આપી કહ્યું હતું કે, ચાચર ચોકમાં જાહેરમાં ચુંબન કરી માતાજીનું અપમાન કર્યું છે. આ કૃત્યથી ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી હતી. અન્ય કોઈ આવું કૃત્ય ન કરે તે માટે દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ. આ ઉપરાંત પાર્કિંગ એરિયાના સીસીટીવી તપાસવા માગ કરી હતી.
સનાતન સંત સમિતિએ કડક કાર્યવાહી કરવા માંગ કરી
સનાતન સંત સમિતિએ આ ઘટનાના આયોજકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિરનાથ મહારાજે આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી હતી અને ત્યાં હાજર લોકોની ટીકા કરી હતી કે તેમણે હસ્તક્ષેપ કેમ ન કર્યો. તેમણે કહ્યું કે, ગરબાના કાર્યક્રમમાં અશ્લીલ કૃત્યો અસ્વીકાર્ય છે. આયોજકો તેમજ સત્તાવાળાઓ બંનેને જાગૃતિ લાવવા અને સુધારાત્મક પગલાં લેવા વિનંતી કરી હતી.
યુનાઇટેડ વે ઓફ બરોડાના પ્રમુખે ગરબામાં આવનાર લોકોને શિસ્ત જાળવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું, ગરબા એક પવિત્ર પ્રસંગ છે. યુગલોએ અયોગ્ય વર્તન કરવાનું ટાળવું જોઈએ, અને જો તેઓ તેમ ન કરી શકે તો તેમણે અમારા કાર્યક્રમમાં હાજરી ન આપવી જોઈએ. અહેવાલો અનુસાર, ઉત્સવની પવિત્રતા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે સત્તાવાળાઓ અને આયોજકો ભવિષ્યના ગરબા કાર્યક્રમોમાં વધુ સઘન દેખરેખ અને માર્ગદર્શિકાઓનું કડક પાલન કરવા પર વિચાર કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ કપલે ગયા વર્ષે પણ મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયા પાસે આવી રીતે જ કિસ કરતો વીડિયો બનાવી સોશ્યિલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો.આ વર્ષે ગરબા ગ્રાઉન્ડ પર બ્રેક દરમ્યાન કિસ કરતો વીડિયો બનાવી પોસ્ટ કર્યો હતો.
આ પણ વાંચો…નવરાત્રિના પહેલા દિવસે યુનાઈટેડ વેમાં વિવાદ, ગરબા ગ્રાઉન્ડ ખરાબ હોવાથી ખેલૈયાઓએ કર્યો હોબાળો…