ગંભીરા બ્રિજ દુર્ઘટનાઃ કેબલની થશે ચકાસણી, 15 દિવસમાં આવશે રિપોર્ટ…

વડોદરાઃ ગંભીરા બ્રિજ દુર્ઘટનાને એક મહિના કરતા વધારે સમય થઈ ગયો છે. છતાં બ્રિજ કયા કારણોસર ધરાશાયી થયો તેનું કારણ જાણી શકાયું નથી.
ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનાનું સાચું કારણ જાણવા માટે ગુજરાત સરકારે હવે ઝારખંડ સરકારની મદદ માંગી છે. આ ઘટનામાં 22 લોકોના મોત થયા હતા અને પ્રાથમિક તપાસમાં સ્ટ્રક્ચર ફેલ થવાને કારણે બ્રિજ તૂટ્યો હોવાનું સામે આવ્યું હતું.
ગુજરાતમાં ટેસ્ટિંગની સુવિધા નથી
આશ્ચર્યજનક વાત એ છે કે, બ્રિજ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા સામાનની ગુણવત્તા તપાસવા માટે ગુજરાતમાં યોગ્ય સુવિધા નથી. આ કારણે, બ્રિજના કેબલનો એક ટુકડો સેમ્પલ તરીકે તપાસ માટે ઝારખંડના ધનબાદ ખાતે મોકલવામાં આવ્યો હતો. ધનબાદમાં આવેલી લેબોરેટરીમાં આ પ્રકારના ટેસ્ટ થઈ શકે છે.
તપાસ ક્યારે પૂરી થશે?
આ સેમ્પલ બે દિવસ પહેલાં કુરિયર મારફતે મોકલવામાં આવ્યું હતું અને તે ધનબાદ પહોંચી ગયું છે. આ તપાસ દરમિયાન ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના એક એન્જિનિયર પણ સાક્ષી તરીકે હાજર રહેશે.
સરકારને આશા છે કે આ ટેસ્ટનો રિપોર્ટ આગામી 12 દિવસમાં આવી જશે. બ્રિજ બનાવવામાં વપરાયેલો સામાન યોગ્ય હતો કે નહીં તે આ રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડશે.
ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટના બાદ ચાર અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હાલ આ અધિકારીઓ સામે એસીબી તપાસ કરી રહી છે.
આ પણ વાંચો…બોટ પર પ્રતિબંધ અને ગંભીરા બ્રીજ તૂટી ગયોઃ ગામડાના લોકોનું પરિવહન છીનવાયુ, રોજીરોટીનું શું?