ગંભીરા બ્રિજના વૈકલ્પિક રસ્તાની માંગ: સ્થાનિકોએ ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારી

આણંદ/વડોદરાઃ ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ હાલ તેનું કારણ જાણવા તપાસ ચાલી રહી છે. આ બ્રિજ દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ નોકરી-ધંધા તેમજ ભણતર અર્થે વડોદરા જિલ્લામાં જતા હજારો નોકરીયાતો, ખેડૂતો અને વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં ભારે તકલીફ પડી રહી છે. બ્રિજ બંધ થવાથી લોકોને નોકરી પર જવા કે અન્ય કામ માટે જવા પહેલાં 7થી 10 કિમી થતું હતું, એના બદલે હવે 40 કિલોમીટરનો ફેરો થાય છે, જેથી પેટ્રોલનો ખર્ચ રૂ.800ને બદલે 4 હજારે પહોંચ્યો છે. આનાથી સમય અને પૈસા બંનેનો વ્યય થાય છે.
એક અઠવાડિયા પહેલા વડોદરા અને આણંદ જિલ્લા કલેક્ટરને વૈકલ્પિક રસ્તા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં આંકલાવ અને બોરસદ તાલુકાના 30 જેટલા ગામના સરપંચો અને આગેવાનોએ બામણગામમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. વૈકલ્પિક રસ્તો આપવાની માંગ સાથે તેમણે “ન્યાય આપો, ન્યાય આપો… વૈકલ્પિક માર્ગ આપો” ના નારા લગાવ્યા હતા. તેમણે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી છે.જો તેમની આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો, આગામી દિવસોમાં 1001 યુવકો અન્નનો ત્યાગ કરીને ભૂખ હડતાળ પર ઉતરશે અને ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
આ પણ વાંચો: ગંભીરા બ્રિજ દુર્ઘટનાઃ કેબલની થશે ચકાસણી, 15 દિવસમાં આવશે રિપોર્ટ…
સ્થાનિકોએ વૈકલ્પિક રસ્તા માટે પીપા પુલ બનાવવાની માંગ કરી હતી. સ્થાનિકોના કહેવા મુજબ, કુંભમેળા દરમિયાન આવા પુલનો ઉપયોગ થતો હોય છે. આવી જ રીતે અહીં પીપા પુલ બનાવવામાં આવે તો આણંદ જિલ્લાના નોકરિયાત લોકો, ખેડૂતો અને વિદ્યાર્થીઓ પોતાના ટુ-વ્હીલર અને અન્ય નાના વાહનો લઈને સરળતાથી અવરજવર કરી શકશે. આનાથી તેમને પડતી મુશ્કેલીઓ ઓછી થશે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ 9 જુલાઈ, 2025ના રોજ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં કુલ 22 લોકોએ જીવ ગુમાવ્યો હતો, જેમાં ઘણા વાહનો નદીમાં ખાબક્યા હતા. આ ઘટના માટે જવાબદાર ગણાતા માર્ગ અને મકાન વિભાગના 4 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમની મિલકતોની તપાસ માટે એક ખાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ પણ બનાવવામાં આવી હતી. આ દુર્ઘટનાએ ગુજરાતમાં જૂના પુલની સુરક્ષા અને જાળવણી અંગે અનેક સવાલો ઊભા કર્યા હતા, જેના પરિણામે રાજ્યના અન્ય જર્જરિત પુલ પરથી પણ ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી.