વડોદરા

ગંભીરા બ્રિજ દુર્ઘટનાઃ મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, ઋષિકેશ પટેલે ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી

વડોદરાઃ મુજપુર-ગંભીરા બ્રિજ બુધવારે તૂટી પડ્યો હતો. આ ઘટનામાં અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા છે. રેસ્ક્યૂનો આજે ત્રીજો દિવસ છે, અત્યાર સુધીમાં નદીમાંથી 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કઢાઈ હતી. નદીમાં ટ્રકમાં રહેલું સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂમાં મુશ્કેલી આવી રહી છે, જેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે એ કહેવું હાલ મુશ્કેલ લાગી રહ્યું છે.

બ્રિજ તૂટવાની દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા નાગરિકોની ગુજરાત રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આજે વડોદરા શહેરની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, તેમણે ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા અને તેમને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા હોસ્પિટલ તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી.

આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે ઇજાગ્રસ્તો સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આ દુર્ઘટનાથી પ્રભાવિત થયેલા તમામની પડખે મજબૂતીથી ઊભી છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક અને યોગ્ય તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે, અને તેમના ઝડપી સ્વસ્થ થવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવશે.

તેમણે એસ.એસ.જી. હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફ સાથે પણ વાતચીત કરી હતી અને ઇજાગ્રસ્તોને અપાતી સારવાર અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે ખાતરી આપી હતી કે ઇજાગ્રસ્તોની સારવાર માટે જરૂરી તમામ સુવિધાઓ અને સંસાધનો પૂરા પાડવામાં આવશે.

નરસિંહપુરા ગામના અર્જુનસિંહ પરમારે જણાવ્યું હતું કે, 22 વર્ષીય વિક્રમસિંહ પઢીયાર તેમના મામાના દીકરાને ઘરે દેવાપુરા ખાતે મુકવા જઈ રહ્યા હતા ત્યારે અચાનક આ દુર્ઘટના સર્જાઇ હતી. ત્રણ દિવસથી અમે અહીં બેઠા છીએ પરંતુ વિક્રમનો મૃતદેહ મળ્યો નથી. અમે નદી કિનારે આવીએ છીએ તો પોલીસ અમને ભગાડે છે. વિક્રમ નોકરી કરતો હતો અને તેને એક સવા વર્ષની દીકરી પણ છે.

આ પણ વાંચો…ગંભીરા બ્રિજ દુર્ઘટના: વધુ એક મૃતદેહ મળતા મૃત્યુઆંક 18 પર પહોંચ્યો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button