આ પણ છે દેશભક્તિનો રંગઃ વડોદરાની આ દુકાન પણ સહભાગી છે સ્તંત્રતાની ચળવળમાં…
આગ લાગી ત્યારે એક નાનકડુ ચકલુ પોતાની ચાંચમાં ટીપું ટીપું પાણી લઈ આગ ઓલવવાની કોશિશ કરતું હતું. મોટા મોટા કામ કરવાની વાત કરવા કરતા પોતાની તાકાત અને ક્ષમતા પ્રમાણે નાનું અમથુ યોગદાન પણ પરિણામ લાવતું હોય છે. આપણે દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરવા માટે આવા અનેક અનામી લોકોએ પોતાનાથી બનતું યોગદાન આપ્યું છે તેમાં વડોદરાની આ નાનકડી દુકાનના દુકાનદાર પણ સામેલ છે.
આ પણ વાંચો : બાળકોમાંથી ભય દૂર કરવા અમદાવાદ પોલીસે અપનાવ્યો નવતર અભિગમ
વડોદરાના આ દુકાનદારની અનોખી દેશસેવા
વડોદારાના રાવપુરા પાસે એક દુકાન આવેલી છે ભારત ઉદ્યોગ હાટ. આ હાટના માલિક છોટાલાલ વસંતજી મહેતા. આ દુકાન વડોદરાની પ્રથમ ખાનગી ખાદી વેચનારી દુકાન હતી. અંગ્રેજો સામેની આઝાદી ચળવળમાં મહાત્મા ગાંધીએ સ્વદેશી વસ્તુઓ અપનાવવાની હાકલ કરી હતી. તેનાથી પ્રેરાઇને વડોદરામાં છોટાલાલ વસંતજી મહેતા અને તેમના બે પુત્રો ધીરજલાલ અને સુમનચંદ્રએ ૧૯૩૦-૩૨ના સમયગાળામાં ખાદીનું વેચાણ શરૂ કર્યું. બાદમાં ૧૯૩૭માં હાલમાં રાવપુરામાં છે, એ દુકાનની શરૂઆત કરી. આ દુકાનનું ઉદ્દઘાટન કરવા માટે રવિશંકર મહારાજ પોતે આવ્યા હતા. એ સમયે વાજબી ભાવે સ્વદેશી ખાદી માટે આ દુકાનની બોલબાલા હતી.
એવામાં વર્ષ ૧૯૪૨માં ગાંધીજીએ આપેલા આહ્વાનને પગલે ઠેરઠેર વિદેશી વસ્ત્રો અને વસ્તુઓની હોળી થવા લાગી ત્યારે, વડોદરામાં ભારત ઉદ્યોગ હાટમાં ખાદી ખરીદવા માટે લાઇનો લાગી હતી. વોલમાર્ટમાં બ્લેક ફ્રાઇડે સેલમાં ખરીદી માટે ગ્રાહકોની કતારો લાગે એવી રીતે ૧૯૪૨માં આ દુકાનમાં ગ્રાહકો ઉમટી પડ્યા હતા. ત્યારે એક ગ્રાહકને માત્ર ત્રણ મિટર કાપડ આપવું, એવો નિયમ કરવો પડ્યો હતો તે હદે ખાદીની માગ વધી ગઈ હતી.
મહેતા પરિવારે આ રીતે આપ્યું યોગદાન
છોટાલા મહેતા ગાંધીજીથી ખૂબ પ્રભાવિત હતા અને તેમણે સત્ય અને અહિંસાના માર્ગે સ્વતંત્રતા મેળવવાની ગાંધીજીની ચળવળમાં પોતાનું યોગદાન આપવાનું નક્કી કર્યું. મહેતા પરિવારે આઝાદીની ચળવળમાં પોતાનું યોગદાન આપવા માટે અનેક અનોખો નિર્ણય કર્યો. ભારત ઉદ્યોગ હાટમાંથી થતી આવકમાંથી પોતાના ઘરખર્ચનો ભાગ કાઢી બાકીની રકમ ગાંધીજીને અથવા તે કહે તે આશ્રમને મોકલી આપવામાં આવી હતી. લગભગ એક દાયકા સુધી આવકનો ભાગ આ રીતે મોકલવામાં આવ્યો. ગાંધીજી સાથે આ બાબતે પત્ર વ્યવહાર પણ થતો હતો.
છોટાલાલ મહેતાએ બાદમાં પોતાનું જીવન સમાજસેવામાં અર્પણ કરવાનો નિર્ણય કર્યો અને ગાંધીજી સાથે ચાલ્યા હતા. તેમના મોટા પુત્ર ધીરજલાલ મહેતા માટે કન્યા શોધવાનું કામ પણ રવિશંકર મહારાજે કર્યું. સૌરાષ્ટ્રના જેતપુરના પ્રભાબેન સાથે વેવિશાળ કરાવી રવિશંકર મહારાજે બારડોલી ખાતે લગ્નની વિધિ પણ પોતે કરી હતી. ગાંધીજી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ગોળ ખવડાવી સૌના મ્હોં મીઠા કરાવ્યા હતા. આવા સંસ્મરણો છોટાલાલના પ્રપોત્રો ૭૧ વર્ષીય શ્રી પુલકિત મહેતા અને ૬૩ વર્ષીય શ્રી સંજય મહેતા વાગોળે અને કહે છે કે, બાદમાં ગાંધીજી સહિત અનેક મહાનુભાવો અવારનવાર ભારત ઉદ્યોગ હાટની મુલાકાત લેતા રહ્યા હતા.
આ પણ વાંચો : ખ્યાતિ કેસઃ કાર્તિકના કાળા કારનામા, ચિરાગ અને રાહુલની સાથે પૂછપરછમાં સામે આવી ચોંકાવનારી વાત…
વડોદરા શહેરમાં પુલકિતભાઇ અને સંજયભાઇ આજે પણ આ દુકાન ચલાવે છે. એ દુકાન કોઇ પણ પ્રકારનું રિનોવેશન કરવામાં આવ્યું નથી. જે સ્થિતિમાં હતી, એ જ સ્થિતિમાં અત્યારે ભારત હાટ કાર્યરત છે. વિવિધ પ્રકારની ખાદી સાથે ગરમ વસ્ત્રોનું વેચાણ કરે છે. ભારત ઉદ્યોગ હાટની મુલાકાત લો તો તમને જૂના જમાનામાં દુકાનો કેવી હતી, એનો ખ્યાલ આવશે અને આ સાથે દેશને આઝાદી અપાવવામાં લોકોએ કઈ કઈ રીતે યોગદાન આપ્યું તે જાણી ગર્વ થશે અને પ્રેરણા પણ મળશે.