UK જવાની લાલચમાં ખોટું મેરેજ રજિસ્ટ્રેશન: સગાઈને લગ્ન ગણાવનારી વડોદરાની યુવતી પર કેસ!

વડોદરાઃ ગુજરાતીઓ વિદેશ જવા ગમે તે માર્ગ અપનાવતા હોય છે. આવો જ એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. વડોદરાની એક યુવતી અને તેના “ઓન પેપર” પતિને કાયદાકીય ગૂંચવણનો સામનો કરવો પડ્યો છે. ફેમિલી કોર્ટે કથિત રીતે તેમના લગ્ન નોંધણીમાં ખોટું નિવેદન આપવા બદલ આ દંપતી સામે ફોજદારી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. 11 નવેમ્બરના રોજ, ફેમિલી કોર્ટે તેના રજિસ્ટ્રારને ફોજદારી કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપ્યો. દંપતીએ તેમની સગાઈની વિધિને લગ્ન તરીકે રજૂ કરીને લગ્ન નોંધાવ્યા હોવાનું જાહેર થયા બાદ આ આદેશ આપવામાં આવ્યો હતો.
શું છે મામલો
કેસ મુજબ, યુકેમાં રહેતો આ યુવક 2023માં માત્ર સગાઈ માટે ભારત આવ્યો હતો. લગ્નના કોઈ ફોટોગ્રાફ્સ, આમંત્રણો કે અન્ય પુરાવા ન હોવાથી, પરિવારોએ બે સાક્ષીઓને ગોઠવ્યા, જેમણે મેરેજ રજિસ્ટ્રાર સમક્ષ સોગંદનામું દાખલ કરીને દાવો કર્યો કે તેઓ લગ્ન સમારોહમાં હાજર રહ્યા હતા. આ ઘટના પછી યુવક જ્યારે ભારત પાછો ન ફરતા પરિસ્થિતિ વણસી હતી. આખરે, બંને પક્ષોએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. યુવતી ઉચ્ચ અભ્યાસ માટે UK જવા માંગતી હતી. તેણે તેમની સગાઈ/લગ્ન ગણાતી બાબતનો પરસ્પર અંત લાવવા માટે સંમતિ આપી હતી.
2024માં, યુવતીએ તેના પાર્ટનરના સહયોગથી, હિન્દુ મેરેજ એક્ટની કલમ 12 હેઠળ લગ્નને રદ કરવા માટે વડોદરા ફેમિલી કોર્ટનો સંપર્ક કર્યો હતો. તેઓએ દલીલ કરી કે હિન્દુ લગ્ન માટે જરૂરી વિધિઓ, જેમ કે સપ્તપદી કરવામાં આવી ન હતી અને તેમની સગાઈની વિધિને લગ્ન ગણવી જોઈએ નહીં. કોર્ટે મેરેજ રજિસ્ટ્રારને બોલાવ્યા, જેમણે લગ્ન નોંધણી માટે રજૂ કરાયેલા દસ્તાવેજો રજૂ કર્યા. આનાથી કોર્ટે માત્ર રદ્દીકરણની અરજીને ફગાવી દીધી નહીં, પરંતુ કથિત રીતે ખોટા દસ્તાવેજો રજૂ કરવા બદલ દંપતી સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરવા માટે તેના રજિસ્ટ્રારને નિર્દેશ પણ આપ્યો હતો.
દંપતીએ ફેમિલી કોર્ટના ફોજદારી કાર્યવાહીના આદેશ સામે રક્ષણ મેળવવા માટે તાત્કાલિક હાઈ કોર્ટનો સંપર્ક કર્યો હતો. તેઓએ રજૂઆત કરી કે આનાથી તેમની કારકિર્દી અને યુવતીની UK જવાની સંભાવનાઓ પર નકારાત્મક અસર પડશે. તેમના વકીલોએ હાઈ કોર્ટના આદેશમાં નોંધાયા મુજબ દલીલ કરી કે, ન્યાયાધીશે રજિસ્ટ્રારને બોલાવ્યા અને લગ્નની નોંધણી માટે રજૂ કરાયેલા દસ્તાવેજો રજૂ કરવા જણાવ્યું હતું. પક્ષકારોને તેમના સંબંધિત વલણને સમજાવવાની કોઈ તક આપ્યા વિના તે દસ્તાવેજોને ધ્યાનમાં લેવામાં આવ્યા નહોતા.
કેસની સુનાવણી કર્યા પછી, કોર્ટની બેન્ચે ફોજદારી કાર્યવાહી શરૂ કરવા પર વચગાળાનો સ્ટે આપ્યો અને અ પક્ષકારો વિરુદ્ધ કોઈ પણ ફોજદારી કાર્યવાહી શરૂ ન કરવા નિર્દેશ આપવામાં આપ્યો હતો. આ કેસની આગામી સુનાવણી 25 નવેમ્બરના રોજ થશે.



