વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે પર અંકલેશ્વાર પાસે એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટને મંજૂરી

વડોદરાઃ અંકલેશ્વરમાં રહેતા અને દક્ષિણ ગુજરાતથી વડોદરા તરફ મુસાફરી કરતાં લોકો માટે સારા સમાચાર છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેને નેશનલ હાઇવે 64 દાંડી પથને પુનાગામ સાથે જોડતાં એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટને મંજૂરી આપી હતી. ગઈકાલે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેને સંતોષ કુમાર યાદવની મુલાકાત દરમિયાન આ મંજૂરી આપવામાં આવી હતી. સ્થાનિકો લાંબા સમયથી આ માંગ કરી રહ્યા હતા.
નવા એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટથી નેશનલ હાઇવે-48 અને અંકલેશ્વરમાં ટ્રાફિકનું ભારણ ઓછું થશે. આ ઉપરાંત એક્સપ્રેસ વેથી સાધા જ દહેજ પોર્ટ પણ જઈ શકાશે. નેશનલ હાઈવે ઓથોરિટાન અધિકારીઓ મુજબ, આનાથી પ્રાદેશિક કનેક્ટિવિટી વધશે, લોજિસ્ટિકમાં સુધારો થશે અને ગુજરાતના ઈન્ડસ્ટ્રીયલ ગ્રોથને સપોર્ટ મળશે.
થોડા સમય પહેલા અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને પત્ર લખીને, પ્રાદેશિક કનેક્ટિવિટીમાં સુધારો કરવાની જરૂર હોવાનું જણાવ્યું હતું. જેના કારણે આ એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ મંજૂર કરવામાં આવ્યા હતા.
ભરૂચથી સુરત જતા મુસાફરો હવે અંકલેશ્વરના પુનાગામ એન્ટ્રી પોઇન્ટનો ઉપયોગ કરી શકશે અને અંકલેશ્વર-હાંસોટ-ઓલપાડ સ્ટેટ હાઈવે પર બહાર નીકળી શકશે. આવી જ રીતે સુરતથી આવતા મુસાફરો પણ એન્ટ્રી-એક્ઝિટ લઈ શકશે.
ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર અને સુરત વચ્ચેનો સંપૂર્ણ એક્સપ્રેસ વે ડિસેમ્બર 2025માં કાર્યરત થઈ શકે છે. હાલ તેનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. થોડા દિવસ પહેલા કિમ અને એના ગામ વચ્ચે પણ એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ ખુલ્લા મુકવામાં આવ્યા હતા.



