નર્મદામાં નશામાં ધૂત પીએસઆઇએ સર્જ્યો અકસ્માત: સસ્પેન્ડ કરાયા, જૂઓ Video…

વડોદરા: કાયદાનું રક્ષણ કરનાર જ કાયદાના લીરે લીરા ઉડાવે તેવો એક ચોંકાવનારો કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે, જ્યાં ટ્રાફિક વિભાગના PSI વાય.એચ. પઢિયાર નશામાં ટલ્લી થઈને વાહન ચલાવતા ઝડપાયા હતા. આ ઘટનામાં તેમણે ત્રણ જેટલા વાહનોને અડફેટે લીધા હતા, જેમાં GST એડી કમિશનરની કાર અને બે મહિલા પોલીસકર્મીના એક્ટિવા પણ સામેલ છે. ઘટના બાદ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
અનેક વાહનોને અડફેટે લીધા
પ્રાપ્ત વિગતો અનુસાર, નર્મદા જિલ્લાના ટ્રાફિક વિભાગના PSI વાય.એચ. પઢિયારે વડોદરાના છાણીમાં ફર્ટિલાઇઝર પાસે નશામાં ચૂર હાલતમાં પોતાની કાર ચલાવી રહ્યા હતા. આ દરમિયાન, તેમણે નિયંત્રણ ગુમાવીને અનેક વાહનોને અડફેટે લીધા હતા. તેમની કારની એરબેગ પણ ખુલી ગઈ હતી. રજા પરથી ઘરે જતા GST એડી કમિશનરની કાર અને બે મહિલા પોલીસકર્મીના એક્ટિવાને પણ તેમણે ટક્કર મારી હતી.
યુવકને લાફો મારી કહ્યું, “થાય તે કરી લે….”
અકસ્માત સર્જ્યા બાદ PSI સાહેબ લાજવાને બદલે ગાજ્યાં હતા અને જ્યારે લોકોએ તેમને ઝડપી પાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે નશેડી PSI એ દાદાગીરી કરતા એક યુવકને લાફો મારી દીધો અને કહ્યું, “થાય તે કરી લે, હું કોઈને ડેમેજ આપવાનો નથી.” આ દાદાગીરી દરમિયાન જ તેમની કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી.
આપણ વાંચો: કચ્છના પ્રવાસેથી પરત ફરેલો જામનગરનો પરિવાર આવ્યો કોરોનાની ઝપેટમાં, તંત્રમાં દોડધામ
પીએસઆઈ સસ્પેન્ડ કર્યા
અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટના બાદ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને PSI વાય.એચ. પઢિયારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કાયદાના રક્ષક દ્વારા જ આવા કૃત્યને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને કાયદાના પાલન અંગે ફરી સવાલો ઊભા થયા છે.