વડોદરામાં નશામાં ધૂત કારચાલક બન્યો છાકટો: યુવતીને ટક્કર મારી પોલીસ સાથે બબાલ કરી

વડોદરા: શહેરમાં જૂના મકરપુરા પોલીસ સ્ટેશન પાસે નશામાં ધૂત કારચાલકે યુવતીને ટક્કર મારી હતી અને પોલીસ કર્મચારી સાથે બબાલ કરી હતી. આ અંગેને વીડિયો પણ વાયરલ થયો હતો. ઘટના બાદ પોલીસે વૈભવી કાર સાથે દેવેન્દ્રસિંહ હરિસિંહ સિંઘા નામના શખસને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત પ્રમાણે વડોદરા ટ્રાફિક શાખા પૂર્વ ઝોનમાં ઝોનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ છોટુભા અને અલસીંગભાઈ દલીયાભાઈ ભવન્સ સ્કૂલ પાસે ટ્રાફિક પોઈન્ટ પર હાજર હતા. આ ઘટના દરમિયાન એક લક્ઝુરિયસ કાર ચાલકે સ્પંદન સર્કલ તરફથી આવીને ભવન્સ સ્કૂલ સર્કલ ફરવાને બદલે રોંગ સાઈડમાં ટર્ન લીધો હતો. દરિમયાન પ્રતાપનગર તરફ જતા ટ્રાફિકમાં બાઈકને ટક્કર મારી હતી.
આ પણ વાંચો: સુરતમાં દારૂની મહેફિલમાં પોલીસે પાડ્યો ભંગ, નશામાં ધૂત મહિલાઓ માંડ માંડ ચાલી શકી…
આ ઘટના બાદ કાર ચાલકે બાઈક સવારો સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો. ટ્રાફિક પોલીસે ગાડી સાઈડમાં લેવાનું જણાવતાં, ચાલકે હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ સાથે અસભ્ય વર્તન કર્યું હતું. ઉપરાંત ગાળાગાળી અને બબાલ કરી હતી. નશામાં ધૂત કાર ચાલકે ભેગા થયેલા રાહદારીઓ સાથે પણ ઝઘડો કર્યો હતો, જેના કારણે પરિસ્થિતિ વધુ તંગ બની હતી.
આ ઘટનાની જાણ હેડ કોન્સ્ટેબલ અલસીંગભાઈએ પોલીસ કંટ્રોલ રૂમને કરી હતી. જે બાદ મકરપુરા પોલીસ સ્ટેશનની પીસીઆર વાન ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ દરમિયાન કાર ચાલક નશામાં જણાયો હતો. પોલીસે નશામાં ધૂત કારચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.