ડ્રગ્સ માફિયાઓ બેફામ; વડોદરામાં 3.37 કરોડના ડ્રગ્સ સાથે 2 લોકોની ધરપકડ

વડોદરા: ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ જાણે બેફામ હોય તેમ રાજ્યમાં ડ્રગ્સની તસ્કરી સતત વધી રહી છે. આ દરમિયાન વડોદરા એસઓજી (Vadodara SOG) પોલીસે દરોડો પાડીને 3.37 કરોડની કિંમતનું 3.379 કિલોગ્રામ એમડી ડ્રગ્સ અને તેને બનાવવા માટેનું રોમટીરીયલ ઝડપી પાડી બે ઈસમોની ધરપકડ કરી ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
આ પણ વાંચો: ગુજરાત ATSની મોટી સફળતા; કુખ્યાત ડ્રગ્સ માફિયા કઈ રીતે પકડાયો, જાણો?
એક આરોપી અગાઉ પણ ઝડપાયેલો
પ્રાપ્ત વિગતો અનુસાર SOG પોલીસે ચોક્કસ માહિતીને આધારે વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલા મોકસી ગામની સીમમાં રાણીયા જવાના રોડની બાજુમાં આવેલા એક ખેતરમાં દરોડો પાડ્યો હતો. આ ખેતરમાં સેડ બનાવી જગદીશ મહિડા નામનો ઈસમ તેના સાથી પ્રેમચંદ મહંતો નામના બીજા ઈસમ સાથે ભેગા મળીને નશાકારક પદાર્થ મેફેડ્રોન સિન્થેટિક ડ્રગ્સ ફેક્ટરીમાં બનાવી વેચાણ કરી રહ્યો હતો. આ જોઈ એસઓજી પોલીસ પણ ચોકી ઉઠી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલો આરોપી જગદીશ મહિડાની અગાઉ 2014માં સીઆઈડી ક્રાઈમે ગાંધીનગર એડીપીએસના ગુનાના કામે ધરપકડ કરી હતી.
3.90 કરોડ રોકડ મળ્યા
તપાસના અંતે ફેક્ટરીમાંથી નશાકારક માદક પદાર્થ મેફેડ્રોન 3 કિલો 379 ગ્રામ કિંમત રૂપિયા 3 કરોડ 37 લાખ 90 હજાર તેમજ ડ્રગ્સ બનાવવા માટેનું 1,73,112 રૂપિયાની કિંમતનું રો મટીરીયલ તેમજ અન્ય સાધન સામગ્રી મળી આવી હતી સાથે જ 825 ગ્રામ શંકાસ્પદ પાવડર પણ મળી આવ્યો હતો.
બે ઇસમોની ધરપકડ
પોલીસે આ ગુનામાં જગદીશ મહિડા અને પ્રેમચંદ મહંતો નામના ઈસમની ધરપકડ કરી હતી. જ્યારે ગોરવા વિસ્તારના ચિરાગ પટેલ બિહાર ઔરંગાબાદના વિપુલ સિંગ અને તેની સાથે આવેલા એક અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.