ડભોઈ એપીએમસી ચૂંટણી પહેલા કૉંગ્રેસને મોટો ફટકોઃ ચેરમેન સહિત છ હોદ્દેદારો ભાજપમાં સામેલ થયા

વડોદરાઃ જિલ્લાની ડભોઇ એપીએમસી ચૂંટણી પહેલા કૉંગ્રેસને મોટો ફટકો લાગ્યો હતો. એપીએમસીના ચેરમેન સહિત કૉંગ્રેસના છ મુખ્ય હોદ્દેદારો ભાજપમાં સામેલ થઈ ગયા હતા.
મળતી વિગત પ્રમાણે, ડભોઇ એપીએમસીના ચેરમેન દિલીપ પટેલ ભાજપમાં જોડાયા હતા. દિલીપ પટેલનો ડભોઇ એપીએમસીમાં ઘણા વર્ષોથી દબદબો રહ્યો છે અને તેઓ છેલ્લા 40 વર્ષથી કૉંગ્રેસ પ્રેરિત પેનલમાંથી એપીએમસીની ચૂંટણી લડતા આવ્યા હતા.
આપણ વાચો: માંગરોળમાં કૉંગ્રેસને મોટો ફટકો, આ દિગ્ગજ નેતા 200 કાર્યકર્તા સાથે ભાજપમાં થયા સામેલ
ચેરમેન દિલીપ પટેલની સાથે કૉંગ્રેસના અન્ય અગ્રણી નેતા પ્રવીણ ટીંબી પણ ભાજપમાં જોડાયા હતા. આ તમામ 6 હોદ્દેદારોને ભાજપમાં પ્રવેશ કરાવવા માટે ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા ભાજપનો ખેસ પહેરાવવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, એપીએમસીના આ તમામ પૂર્વ કૉંગ્રેસી હોદ્દેદારોને ભાજપે પક્ષમાં જોડીને તેમને મેન્ડેટ પણ આપી દીધા છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે આગામી એપીએમસીની ચૂંટણીમાં આ તમામ નેતાઓ હવે ભાજપના બેનર હેઠળ ચૂંટણી લડશે.
ચૂંટણી પહેલાં જ કૉંગ્રેસના આટલા મોટા નેતાઓ અને હોદ્દેદારોના પક્ષપલટાથી ડભોઇ એપીએમસીની ચૂંટણીમાં કૉંગ્રેસની સ્થિતિ કફોડી બની હતી અને ભાજપને મોટો ફાયદો થયો હતો.



