નવ ફૂટનો મગર ખાબક્યો બુલેટ ટ્રેનના ખાડામાંઃ જુઓ વીડિયો…

અમદાવાદઃ ગુજરાતમાં બુલેટટ્રેનનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે એક મહાકાય મગર એક સાઈટ પર ખોદેલા ખાડામાં ખાબકી પડ્યાની ઘટના ઘટી હતી. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો.
સોમવારે સવારે વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પર કામ કરતા કામદારોએ અચાનક મગર જોયો હતો. મગર અહીં ખોદવામાં આવેલા લગભગ 30 ફૂટ ઊંડા ખાડામાં પડ્યો હતો. કામદારએ સૌનું ધ્યાન દોર્યા બાદ તેનું બચાવકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.
લગભગ સાડા નવ ફૂટ લાંબા આ વિશાળ મગરનું રેસ્ક્યુ કરવા વન્યજીવન સાથે જોડાયેલા કાર્યકર્તા હેમંત વાધવાના અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે દોરડા અને લાકડીઓ વડે બચાવ કાર્ય શરૂ કર્યું હતું. મગર વારંવાર પાણીમાં ઘુસી જતો હતો અને ટીમે સખત જહેમત ઉઠાવવી પડતી હતી.
લગભગ બે કલાકની મહેનત બાદ મગરને આખરે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ વિશાળ મગરને બાદમાં વન વિભાગને સોંપવામાં આવ્યો અને વિશ્વામિત્રી નદીમાં પાછો છોડી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરાની વિશ્વામિત્રી નદી લગભગ 400 જેટલા મગરનું આશ્રયસ્થાન છે. નિષ્ણાતોનું માનવાનું છે કે મગર રસ્તો ભૂલી ગયો હશે અને તેથી અહીં આવી ચડ્યો હશે.



