વડોદરામાં ગરબા બાદ અંકોડિયા કેનાલ પર એકાંત માણવા ગયેલું કપલ લુંટાયું | મુંબઈ સમાચાર
વડોદરા

વડોદરામાં ગરબા બાદ અંકોડિયા કેનાલ પર એકાંત માણવા ગયેલું કપલ લુંટાયું

વડોદરાઃ રાજ્યમાં નવરાત્રીનું પર્વ રંગ પકડી રહ્યું છે ત્યારે વડોદરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. ગરબા બાદ અંકોડિયા કેનાલ પર એકાંત માણવા ગયેલું કપલ લુંટાયું હતું. લૂંટારુઓ દાગીના અને ફોન ચોરીને ફરાર થઈ ગયા હતા. લૂંટારુઓએ ચાકુની અણીએ બન્નેને ડરાવીને કિંમતી વસ્તુઓ લૂંટી લીધી હતી.

કપલ એકાંત માણવા માટે અંકોડિયા કેનાલના વિસ્તારમાં ગયા હતા. આ દરમિયાન, મોકો જોઈને બુકાનીધારી ત્રણ લૂંટારુઓએ તેમને ઘેરી લીધા હતા. લૂંટારુઓએ તેમને ચાકુ બતાવી ડરાવીને તેમની પાસેથી દાગીના, બે આઇફોન અને રોકડા રૂપિયા મળીને કુલ રૂ. 1 લાખની મત્તાની લૂંટ ચલાવી હતી. લૂંટ બાદ ત્રણેય લૂંટારુઓ અંધારાનો લાભ લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા.

આ ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટેશનમાં બનાવની સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરવામાં આવી છે. જોકે, પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, લૂંટનો ભોગ બનેલા યુવક કે યુવતીમાંથી કોઈએ પણ હજી સુધી સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવી નથી. લૂંટની ઘટના સેવાસી પોલીસ ચોકીથી માત્ર થોડે જ દૂર બની છે, જેના કારણે વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા થયા હતા.ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પણ ભાયલી વિસ્તારમાં લૂંટના ઇરાદે એક સગીરા સાથે ગેંગરેપ ની ગંભીર ઘટના બની હતી.

તાજેતરમાં અમદાવાદના અડાલજમાં થોડા દિવસ પહેલા બર્થ ડે સેલિબ્રેટ કરી રહેલા યુવક પર સાયકો કિલરે હુમલો કર્યો હતો. જેના કારણે તેનું મોત થયું હતું, જ્યારે યુવતી ઈજાગ્રસ્ત થઈ હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button