વડોદરામાં GSFC કંપનીના કામદારોનો વિરોધ: નોકરી અને પગાર મુદ્દે કર્યો હોબાળો | મુંબઈ સમાચાર
વડોદરા

વડોદરામાં GSFC કંપનીના કામદારોનો વિરોધ: નોકરી અને પગાર મુદ્દે કર્યો હોબાળો

વડોદરા: વડોદરા નજીક આવેલી GSFC (ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ) કંપનીમાં કામ કરતા કોન્ટ્રાક્ટ કામદારોને નોકરી પરથી છૂટા કરી દેવાતાં ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. લગભગ 100થી વધુ કામદારોને છૂટા કરવામાં આવતાં તેમણે કંપનીના મુખ્ય ગેટ સામે પોસ્ટરો અને બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો.

કંપની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો

આ કામદારો અને તેમની સાથે જોડાયેલા દશરથ ગામના લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. “ન્યાય આપો” અને “મજદૂર એકતા જિંદાબાદ” જેવા નારા લગાવ્યા હતા. કામદારોનું કહેવું છે કે તેઓ છેલ્લા 12 વર્ષથી કંપનીમાં કામ કરી રહ્યા છે, તેમ છતાં તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે. આ મામલો કોર્ટમાં પણ ગયો હતો.

આપણ વાંચો: થાણેમાં એનસીપી (એસપી)ના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું, ચૂંટણી પંચના પ્રતીકની પ્રતિકૃતિ સળગાવી

કોર્ટના આદેશ છતાં ફેબ્રુઆરીથી પગાર બંધ

વર્ષ 2017માં કોર્ટે એવો આદેશ આપ્યો હતો કે જ્યાં સુધી કોઈ નવો નિર્ણય ન આવે ત્યાં સુધી આ કામદારોનો પગાર ચાલુ રાખવો. પરંતુ કંપનીએ કોર્ટના આદેશનું પાલન ન કર્યું અને ફેબ્રુઆરી 2025થી તેમનો પગાર બંધ કરી દીધો હતો.

કામદારોની આર્થિક સ્થિતિ કથળી

કામદારોએ જણાવ્યું કે છેલ્લા આઠ મહિનાથી તેમને પગાર મળ્યો નથી, જેના કારણે તેમની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે. કામદારોના કહેવા મુજબ, અમે ગાંધી ચિંધ્યા માર્ગે ન્યાય માટે અહીં આવ્યા છીએ.

જો અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો અમારો વિરોધ વધુ ઉગ્ર બનશે. આ વિરોધમાં દશરથ ગામના લોકો પણ જોડાયા હતા અને તેમણે સ્થાનિક લોકોને નોકરી ન મળવા અંગે રોષ વ્યક્ત કર્યો હતો.

આ મુદ્દે કંપની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આ ઘટનાએ ફરી એકવાર કામદારોના અધિકારો અને કંપનીની જવાબદારીઓ પર સવાલો ઊભા કર્યા હતા.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button