વડોદરાના જાહેર બગીચાઓમાં રજિસ્ટ્રેનનના નિયમથી નાગરિકો નારાજ, કૉંગ્રેસે વિરોધ નોંધાવ્યો

અમદાવાદઃ વડોદરામાં જાહેર બગીચાઓમાં આવતા તમામ મુલાકાતીઓને પોતાની માહિતી આપી, રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ પ્રવેશ આપવાની મહાનગરપાલિકાના નિયમને નાગરિકોએ વખોડી કાઢ્યો છે. બુધવારથી અહીંના ચાર જાણીતા બગીચા કમાટીબાગ, હરણી બાગ, ગોત્રી બાગ અને લાલબાગમાં આ રજિસ્ટ્રેશનનો નિયમ લાગુ પાડવામાં આવ્યો હતો. અમુક અમસામાજિક તત્વો દ્વારા કમાટીપુરમાં રંજાડવાના કિસ્સા બહાર આવ્યા બાદ મનપાએ આ નવો નિયમ લાગુ પાડ્યો હતો, પરંતુ નાગરિકોએ નારાજગી વ્યક્ત કરી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર આમ કરવાથી મુલાકાતીઓની સુરક્ષા વધશે. પાલિકાના આ નિર્ણયને બહુ ઓછા મુલાકાતીઓએ આવકાર્યો છે જ્યારે મોટાભાગનો વર્ગ નારાજ છે. ઘણા લોકોએ એવી ફરિયાદ કરી છે કે માત્ર નામ અને નંબર લખવાથી સુરક્ષા કઈ રીતે વધી જશે તો અમુકનું એમ પણ કહેવાનું છે કે અમારા મોબઈલ નંબરનો ગેરઉપયોગ નહીં થાય તેની જવાબદારી કોણ લેશે. મુલાકાતીઓ મુલાકાતીઓની માત્ર માહિતી લેવામાં આવે છે, પરંતુ તેમની આઈડેન્ટીટી કાર્ડ વગેરેનું કોઈ ચેકિંગ કરવામાં આવતું નથી, તેમ પણ લોકો કહી રહ્યા છે.
અહીં રોજ કસરત અથવા દોડવા માટે આવતા મુલાકાતીઓ સવાર સવારમાં દસ મિનિટ લાઈનમાં ઊભી રજિસ્ટ્રેશન કરવામાં બગડી જવાથી નારાજ છે. જાહેર બગીચાઓમાં પેટ્રોલિંગ થવું જોઈએ, સીસીટીવી કેમેરા ગોઠવવા જોઈએ, આ રીતે નાગરિકોને પરેશાન કરી શકાય નહીં, તેમ તેઓ જણાવી રહ્યા છે.
દરમિયાન કૉંગ્રેસનાં નેતા અમી રાવત સહિતનું ડેલિગેશન પાલિકાની કચેરીમાં વિરોધ નોંધાવવા ગયું હતુ. તેમણે આ નિર્ણયને મુર્ખામીભર્યો ગણાવ્યો હતો. તેમના કહેવા અનુસાર શહેરમાં ગુનાખોરી વધતી જાય છે, તેને ડામવાને બદલે મોર્નિંગ વૉક કરવા આવતા નાગરિકોથી માંડી સિનિયર સિટિઝન્સ અને પ્રવાસીઓને રંજાડવામાં આવી રહ્યા છે.
જોકે પાલિકાના સૂત્રોએ આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો અને બગીચામાં આવતા લોકોની સલામતી માટે લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો…વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીઓ માટે ગુજરાતી હિટ ફિલ્મ ‘લાલો’નું ખાસ સ્ક્રીનિંગ



