શહેરી માળખાકીય સુવિધાઓની જાળવણી સામૂહિક જવાબદારી છેઃ મુખ્ય પ્રધાન
શહેરી વિકાસ વર્ષ અંતર્ગત વડોદરા ખાતે અર્બન ઈનોવેશન એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમિટનું આયોજન

વડોદરાઃ શહેરી વિકાસ વર્ષ અંતર્ગત વડોદરા ખાતે અર્બન ઈનોવેશન એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમિટનું આયોજન કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણે શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે હવેના વર્ષોમાં વિકાસને સસ્ટેનેબલ બનાવવા ઉપર આપણે વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
શહેરોમાં રિન્યુએબલ એનર્જીના ઉપયોગ, ઈ-મોબિલિટી, ગ્રીન કવર, સ્વચ્છતા, વોટર કન્ઝર્વેશન સહિતના આયામો પર દૂરોગામી આયોજન સાથે આપણે વિકાસ સાધી રહ્યા છીએ. સમિટ અંતર્ગત, વડોદરાના આંતરમાળખાકીય વિકાસ તેમજ “નેટ ઝીરો”ની નેમ સાથે ગ્રીન ગ્રોથને વેગ આપતા એમઓયુ કરવામાં આવ્યા હતા. આ સમિટના વિવિધ સેશનમાં વડોદરા શહેરના સ્માર્ટ, સસ્ટેનેબલ, ફ્યુચરિસ્ટીક અને નાગરિક કેન્દ્રી વિકાસ અંગે વિચારવિમર્શ થશે, જે વિકસિત ગુજરાતના નિર્માણની દિશામાં ફળદાયી બની રહેશે તેવો મને વિશ્વાસ છે.
વરસાદની સિઝન હોય એટલે બધાને વિશ્વામિત્રી યાદ આવે
આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કોર્પોરેશનમાં મુખ્ય હોલ બનાવવો હોય ત્યારે તે સમયે મહિના બે મહિના લાગી જતા હતા. આજે તે પરિસ્થિતિમાંથી બહાર નીકળી ક્યાંય પહોંચી ગયા છીએ. અહીંયા આવીએ એટલે વરસાદ અને વરસાદની સિઝન હોય એટલે બધાને વિશ્વામિત્રી યાદ આવે છે. આ વખતે એવું લાગે છે કે હવે બહુ વાંધો નહીં આવે, થોડું ઘણું કામ બાકી હશે તો એ કામ પણ આવતા વર્ષ સુધી પૂરું થઈ જશે.
140 કરોડ દેશવાસી સરકારની તાકાત છે.
કુદરત સામે બાથ ના ભીડાય, કુદરતનું સંરક્ષણ કરી આગળ વધવું જોઈએ. કુદરતનું સંરક્ષણ કેવી રીતે કરવું તેનું ધ્યાન રાખવું જોઈએ, પર્યાવરણની જાળવણી આપણે રાખી નથી. કોરોના સમયે ખબર પડી ગઈ કે ઓક્સિજનની શું કિંમત છે. પૈસાવાળાને પણ ઓક્સિજન મળ્યું નહીં અને બધું અહીંયા મૂકીને જ જતા રહેવું પડ્યું હતું. આપણું અર્થતંત્ર ત્રીજી મોટી અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે. જીએસટીમાં રિફોર્મ કરાયા છે. પહેલા આપણે પાકિસ્તાન સાથે બાથ ભીડતા હતા, આજે આપણે અમેરિકા સાથે બાથ ભીડી આગળ વધી રહ્યા છીએ. 140 કરોડ દેશવાસી સરકારની તાકાત છે.
શું છે સમિટનો મુખ્ય હેતુ
આ સમિટનો મુખ્ય હેતુ શહેરોને લગતા વિકાસ, આયોજન, માળખાગત સુવિધાઓ, ટેક્નોલોજી અને પર્યાવરણની સુરક્ષા જેવા વિષયો પર કામ કરતા લોકોને એકસાથે લાવવાનો છે. ભારતમાં શહેરો ઝડપથી વધી રહ્યા છે, તેથી આ સમિટમાં ખાસ કરીને પર્યાવરણને અનુકૂળ વિકાસ, સ્માર્ટ શાસન અને આબોહવા પરિવર્તનને સહન કરી શકે તેવી માળખાગત સુવિધાઓ જેવા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા થઈ રહી છે. આ સમિટમાં જુદા જુદા ક્ષેત્રોના નિષ્ણાતો અને વિચારકો ભાગ લઈ રહ્યા છે, જેઓ શહેરી વિકાસના જુદા જુદા પાસાઓ વિશે પોતાના અનુભવો અને વ્યવહારુ વિચારો રજૂ કરી રહ્યા છે.
આ પણ વાંચો…મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળના ચાર વર્ષ: સેવા, સુશાસન અને વિકાસની ગાથા