વડોદરામાંથી ઝડપાઈ ‘ચામાચીડિયા ગેંગ’, આવી હતી મોડસ ઓપરેન્ડી

વડોદરાઃ પોલીસે મધ્ય પ્રદેશની ‘ચામાચીડિયા ગેંગ’ના ત્રણ સાગરિતોને ઝડપી પાડ્યા હતા. જ્યારે ટોળકીના અન્ય ચાર ઇસમોને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આ ગેંગના સભ્યોએ તેમની છાતીના ભાગે ટેટૂ કોતરાવ્યું હતું, જે તેમની ઓળખ હતી. પોલીસે તેઓ છાતી પર જ કેમ ટેટૂ ચિતરાવતા હતા તેની પણ તપાસ હાથ ધરી હતી. પોલીસ પણ આરોપીની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી જાણીને દંગ રહી ગઈ હતી.
ચોરીની આવી હતી મોડસ ઓપરેન્ડી
પકડાયેલા આરોપીઓએ જણાવ્યું કે, તેઓ વડોદરાના છાયાપુરી રેલવે સ્ટેશન પર ઉતરતા હતા અને ત્યાંથી રેલવે ટ્રેક પર 12 કિમી ચાલીને માંજલપુર આવતા હતા.
અહીં ફુગ્ગા વેચવાના બહાને કે લારી ચલાવવાના બહાને રેકી કરતા હતા અને બંધ મકાનમાં રાત્રિના સમયે ચોરીનો પ્લાન કરતા હતા. ચોરી કરવા માટે ચડ્ડી-બનિયાન પહેરીને તેઓ સોસાયટીમાં જતા હતા અને ચોરી થયા બાદ ત્રણ ગ્રુપમાં વહેંચાઈ જતા હતા.
આપણ વાંચો: એસીબીએ છટકું ગોઠવી DILR કચેરીના સર્વેયર સહિત 3 લોકોને 5 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા…
કઈ રીતે ઝડપાઈ ગેંગ
શહેરના માંજલપુર અને મકરપુરા વિસ્તારમાં તસ્કરોનો આતંક વધ્યો હતો. જેને લઈ પોલીસે પેટ્રોલિંગ સઘન કર્યું હતું. તેમજ માંજલપુર પોલીસે સીસીટીવી ફૂટેજનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.
જેમાં બે શંકાસ્પદ લોકો સુસેન સર્કલ પાસે જોવા મળ્યા હતા. એક વ્યક્તિએ સ્કૂલબેગ ખભે લટકાવી હતી અને પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પીછો કરી બંનેને ઝડપી લીધા હતા. આ સમયે તેમનો ત્રીજો સાગરીત પણ ગલીમાં ભાગવા જતાં પકડાઈ ગયો હતો.
આપણ વાંચો: ભૂજમાંથી ૪૧ લાખના કોકેઈન સાથે એસઓજીએ ઢાબામાલિક સહિત બે પેડલર ઝડપી પાડ્યા
અન્ય રાજ્યમાં પણ ચોરીનો આપ્યો અંજામ
પોલીસે તેમની બેગ ચેક કરતાં સળિયા કાપવા અને લોક તોડવાના સાધનો તથા ગિલોલ મળ્યા હતા. પોલીસે પૂછપરછ કરતાં તેઓ ભાંગી પડ્યા હતા અને મધ્ય પ્રદેશના રહેવાસી હોવાનું જણાવ્યું હતું.
તેઓ ગુજરાતમાં ફુગ્ગા વેચવા માટે પરિવાર સાથે આવ્યા હતા અને દિવસ દરમિયાન આ કામ કરતા હતા તેમજ રાત્રે ચડ્ડી બનિયાનમાં નીકળી ચોરી કરતા હોવાની ચોંકાવનારી કબૂલાત કરી હતી. આરોપીઓએ માંજલપુર અને મકરપુરામાં ચોરી કરી હતી. આ ગેંગે ગુજરાત, મધ્ય પ્રદેશ અને બિહારમાં પણ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.