વડોદરામાં બાંગ્લાદેશી વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું, જાણો શા માટે ભર્યું અંતિમ પગલું?

વડોદરા: એમએસ યુનિવર્સિટીમાં ભણતી એક 20 વર્ષીય બાંગ્લાદેશી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લેતા ખડભડાટ મચી ગયો છે. મૃતક વિદ્યાર્થીની યુનિવર્સિટીના ફાર્મસી કોર્સના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. અહેવાલ મુજબ યુવતી ગત વર્ષે સપ્ટેમ્બરમાં વડોદરા ભણવા આવી હતી. પોલીસને એક નોટ પણ મળી આવી છે. મૃતક વિદ્યાર્થીની ઓળખ મોહના માતોર કુમાર મેન્ડોર તરીકે થઇ છે.
મોહના વડોદરાના રામપુર વિસ્તારમાં નવરંગ સિનેમા રોડ પર આવેલા નર્મદા એપાર્ટમેન્ટમાં પેઇંગ ગેસ્ટ તરીકે એકલી રહેતી. ગઈકાલે રાત્રે 10 વાગ્યાના સુમારે તે તેના રૂમમાં ગઈ અને પછી બહાર જ ન આવી. આજે તેની પરીક્ષા હતી.
આ પણ વાંચો: મુંબઈ, કલ્યાણ, ડોંબિવલીથી બાંગ્લાદેશી નાગરિકો પકડાયા
મોહના પરીક્ષા ખંડમાં ન પહોંચતા મિત્રોને ચિંતા થઇ હતી. પરીક્ષા બાદ મિત્રો તેના ઘરે ગયા, રૂમ બંધ હતો. મિત્રોએ મળીને ઘરનો દરવાજો ખોલ્યો. ત્યારે મોહનાનો મૃતદેહ ફાંસી લગાવેલી હાલતમાં મળી આવ્યો.
રૂમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી, પરંતુ મૃતક વિદ્યાર્થીએ આ પગલું ભરવા પાછળના કારણનો ઉલ્લેખ કર્યો ન હતો. મૃતકે કોઈને દોષ આપ્યો ન હતો. પ્રાથમિક તપાસ મુજબ ડિપ્રેશનને કારણે વિદ્યાથીનીએ આ પગલું ભર્યું હોઈ શકે છે.
આ પણ વાંચો: નાલાસોપારામાં સાત મહિલા સહિત નવ બાંગ્લાદેશીની ધરપકડ
પોલીસે જણાવ્યું હતું કે વિદ્યાર્થીનીના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો છે અને પોસ્ટમોર્ટમ પછી તેના મૃતદેહને સોંપવાની પ્રક્રિયા કરવામાં આવશે.
યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા સાથી વિદ્યાર્થીઓ પણ વિદ્યાર્થીની આત્મહત્યાથી શોકમાં છે.
[નોંધઃ આત્મહત્યાએ સમસ્યાનું સમાધાન નથી. તમે માનસિક સ્વાસ્થ્ય માટે નિષ્ણાતોની સલાહ લઈ શકો છો. અથવા સંપર્ક કરી શકો છો…
ગુજરાત સરકાર ટોલ ફ્રી નંબરઃ 1860 266 2345 and 0261 6554050
વાંદ્રેવાલા ફાઉન્ડેશન: 9999666555 અથવા help@vandrevalafoundation.com
TISS iCall 022-25521111 (સોમવારથી શનિવાર સુધી – સવારે 8:00 થી રાત્રે 10:00 સુધી ઉપલબ્ધ)]