વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો વધુ એક ચોંકાવનારો નિર્ણય, સ્મશાન બાદ હવે ઢોર ડબા આઉટસોર્સિંગથી ચાલશે

વડોદરાઃ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને વધુ એક ચોંકવનારો નિર્ણય કર્યો હતો. વડોદરા કોર્પોરેશનના શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 31 સ્મશાનોનુ સંચાલન અને નિભાવણી આગામી 7 જુલાઇ, 2025થી ખાનગી સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે. આ નિર્ણય બાદ હવે કોર્પોરેશન દ્વારા ચાર ઢોક ડબાનું આઉટસોર્સિંગ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઢોર ડબાની કામગીરી આઉટસોર્સિંગથી કરવા સ્ટેન્ડિંગ સમિતિએ દરખાસ્ત મંજૂર કરી હતી.
આ ચાર ઢોર ડબા માટે કેટલો કરાશે ખર્ચ
મળતી વિગત પ્રમાણે, ઢોર ડબાની કામગીરીમાં ઢોરોની દેખરેખ, સાર સંભાળ, સારવાર, એનિમલ ટેગિંગ, અન્ય પાંજરાપોળ અને ગૌશાળામાં પશુઓને શિફ્ટ કરવાની કામગીરી, ઢોર ડબાની સફાઈ વગેરેનો સમાવેશ થાય છે. લાલબાગ ઢોર ડબા માટે 48 લાખ, ખાસવાડી માટે 44.46 લાખ, ખટંબા-1 માટે 41 લાખ અને ખટંબા-2 માટે 41.39 લાખ મળી કુલ વાર્ષિક ખર્ચ 1.74 કરોડ થવાનો છે.
ખટંબા ખાતે વધુ બે ઢોરવાડા બનાવાશે
કોર્પોરેશન દ્વારા શહેરમાં રખડતા ઢોર પકડવા માટે 18 ટીમો કાર્યરત કરવામાં આવી હતી અને ઢોર પકડવાનું પ્રમાણ પણ વધતા કોર્પોરેશન માટે ઢોરના જીવન નિર્વાહનો ખર્ચ વધ્યો હતો. સરકારની સહાયના આધારે કોર્પોરેશન ખટંબા ખાતે વધુ બે ઢોરવાડા બનાવશે. અહીં 1000 ઢોરને રાખી શકાશે. તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટીમાં કોર્પોરેશનના ઢોરવાડા માટે 1.56 કરોડનું ઘાસ ખરીદવાના કામને મંજૂરી આપવામાં આવી હતી.