વડોદરા

7 વર્ષ જૂના લાંચ કેસમાં VMC ના નાયબ કાર્યપાલક ઇજનેર વિરુદ્ધ ACB એ ગુનો દાખલ કર્યો; આ રીતે મળ્યા પુરાવા…

અમદાવાદ: ગુજરાતમાં લાંચિયા અધિકારીઓને ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) ઝપેટમાં લઈ રહ્યું છે. વડોદરા મહાનગર સેવા સદનમાં લાંચ માંગણીના એક જૂના કેસમાં નાયબ કાર્યપાલક ઇજનેર કૌશિક શાંતિલાલ પરમાર વિરુદ્ધ આખરે સાત વર્ષ બાદ ગુનો દાખલ કર્યો છે. 2018માં ગોઠવવામાં આવેલી એક નિષ્ફળ ACB ટ્રેપ બાદ પણ વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે આરોપી સામે કાર્યવાહી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો?
મળતી વિગતો અનુસાર, આ કેસ વર્ષ 2018નો છે. તે સમયે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા રોડ બેલેન્સિંગ રિઝર્વોયરના ઓપરેશન અને મેન્ટેનન્સ માટે આશરે ₹60,00,000/- ના ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. ફરિયાદીએ આ ટેન્ડર માટે ઓનલાઈન અરજી કરી હતી. આરોપી કૌશિક શાંતિલાલ પરમારે, જે તે સમયે નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા હતા, તેમણે ફરિયાદીનો સંપર્ક કર્યો અને તેમનું ટેન્ડર મંજૂર કરાવવા માટે પાંચ ટકા લેખે ₹3,00,000/- ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ આમાંથી અગાઉ ₹1,50,000 આરોપીને ચૂકવી દીધા હતા, પરંતુ તેમનું કામ થયું ન હતું. બાદમાં, જ્યારે ફરિયાદીએ આરોપીનો સંપર્ક કર્યો, ત્યારે આરોપીએ બાકીના ₹1,50,000 આપવાનું કહ્યું હતું. આ સમગ્ર વાતચીતનું ફરિયાદીએ રેકોર્ડિંગ કરી લીધું હતું, જે આ કેસમાં નિર્ણાયક પુરાવો બન્યો હતો.

નિષ્ફળ ટ્રેપ પછી પણ ગુનો દાખલ
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી, તેમણે 20 નવેમ્બર 2018ના રોજ વડોદરા શહેર ACB માં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે, 21 નવેમ્બર 2018ના રોજ બે સરકારી પંચો સાથે આરોપી વિરુદ્ધ છટકું ગોઠવવામાં આવ્યું હતું, પરંતુ આરોપીએ તે સમયે લાંચ સ્વીકારી નહીં અને ટ્રેપ નિષ્ફળ રહી હતી. જોકે, ACB એ આ મામલે ખુલ્લી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન, ફરિયાદી અને આરોપી વચ્ચે થયેલી વાતચીતના રેકોર્ડિંગનું નો ટેમ્પરિંગ સર્ટિફિકેટ મેળવવામાં આવ્યું અને તેના કારણે એ સાબિત થયું કે રેકોર્ડિંગ સાથે કોઈ ચેડા થયા નથી. આ વૈજ્ઞાનિક પુરાવાના આધારે, કૌશિક શાંતિલાલ પરમારે ₹1,50,000 ની લાંચની માંગણી કરી હોવાનું સ્પષ્ટ થયું હતું. આ પુરાવાના આધારે વડોદરા શહેર ACB પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદી બનીને કૌશિક શાંતિલાલ પરમાર વિરુદ્ધ લાંચની માંગણી અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button