વડોદરા

વડોદરામાં બેફામ કાર ચાલકે ચાર વાહનોને અડફેટે લીધા, કારમાંથી મળ્યા બિયરના ટિન

વડોદરાઃ શહેરમાં નશાની હાલતમાં એક કાર ચાલકે ચાર જેટલા વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં એક્ટિવા પર જઈ રહેલા બે લોકો અને રિક્ષાચાલકને ઈજા પહોંચી હતી. ઘટના બાદ કારમાં બેઠેલા બંને લોકોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એકત્ર થયેલા લોકોએ તેમને ઝડપીને ફટકાર્યા હતા.

આ દરમિયાન કોઈએ પોલીસને જાણ કરતાં પોલીસ પણ આવી પહોંચી હતી અને તેમને પોલીસ હવાલે કરી દીધા હતા. કારમાંથી બિયરના ત્રણ ટિન પણ મળ્યા હતા. બંને યુવક નશાની હાલતમાં હોવાનું સામે આવતાં પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં બેફામ કાર ચાલકે લોડીંગ રીક્ષાને લીધી અડફેટે, કિશોરનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત

કારચાલક કોન્ટ્રાક્ટર છે અને કાર તેની માતાના નામે રજિસ્ટર થયેલી હતી. બીજો આરોપી પેટલાદનો છે અને થોડા સમય પહેલાં જ વડોદરામાં ભાડેથી રહેવા આવ્યો હતો. બંન્ને નશાની હાલતમાં હોવાનુ સામે કેસ નોંધી પૂછપરછ બાદ મેડિકલની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અકસ્માતનો ભોગ બનેલા રિક્ષાચાલકે જણાવ્યું કે, હું હરીનગરથી ગોત્રી તરફ આવતો હતો તે સમયે હરીનગર ચાર રસ્તાથી આગળ એક પાછળથી કાર આવી હતી. કાર ચાલકે પહેલા જમણી બાજુ ટક્કર મારી અને પછી ડાબી બાજુ ટક્કર મારી, બાદમાં આગળ જઈને બીજી એક ગાડીને અડફેટમાં લીધી હતી. આ અકસ્માતમાં હું રિક્ષામાંથી નીચે પડી ગયો અને હાથમાં બે બાજુ ઈજા પહોચી છે. લોકો કહી રહ્યાં હતા કે, તે નશામાં હતો. અકસ્માત બાદ તેણે ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો.

આ પણ વાંચો: Ahmedabad ના જમાલપુર નજીક બેફામ કારચાલકે મહિલાને અડફેટે લેતા મોત

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા છાણીબ્રિજ પાસે કાળા કલરની બ્રેઝા કારે એક કાર અને બે એક્ટિવાને એક પછી એક અડફેટે લીધાં હતાં. અકસ્માત સર્જનાર કારને કેટલાક રાહદારીઓએ રોકીને તપાસ કરતાં કારમાંથી ખાખી વર્ધીમાં પી.એસ.આઇ જોવા મળ્યા હતા. પીએસઆઈ એટલી હદે નશામાં હતા કે તેમણે રાહદારી યુવકો સાથે ઝપાઝપી કરી હતી. જ્યારે યુવકો દ્વારા તેમની કારની તપાસ કરવામાં આવી ત્યારે વિદેશી બ્રાન્ડની બે દારૂની બોટલ મળી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button