વડોદરાનો એક બ્રિજ પાંચ વર્ષથી લટકેલોઃ નાગરિકો પરેશાન
વડોદરાઃ શહેર મનપા અને રેલવે વિભાગનાં સંકલનનાં અભાવે રહીશોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વડોદરા શહેરમાં 2020માં માંજલપુરથી અટલદારા વિસ્તારના ખિસકોલી સર્કલ તરફ રેલવેનો ઓવર બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ વાતને આજે પાંચ વર્ષ જેટલો સમય થઈ ગયો તેમ છતા હજુ કામગીરી ચાલી રહી છે. બીજી તરફ પાલિકાના વિપક્ષી નેતાએ બે વિભાગના સંકલનના અભાવે આ સ્થિતિ સર્જાઈ હોવાનો આક્ષેપ કરતા જણાવ્યુ છે કે કરોડો રૂપિયાનો ખર્ચ આયોજન કર્યા વગર જ કરીને વર્ક ઓર્ડર આપીને ચૂંટણી લક્ષી કામગીરી કરવામાં આવતી હોય છે.
આ પણ વાંચો: વડોદરા પહોંચ્યા પછી હાર્દિકનું પુત્ર સાથે સેલિબ્રેશન
પાલિકાના વિપક્ષ નેતાએ આક્ષેપ કરતા જણાવ્યુ કે રૂ. 47 કરોડનો ખર્ચ કરવા છતાં પાંચ વર્ષથી આ બ્રિજનું કામ પૂરું થયું નથી. કોર્પોરેશને ખાનગી કન્સ્ટ્રકટશનને કોન્ટ્રાકટની કામગીરી અંદાજે રૂ. 40 કરોડના ખર્ચે સોંપાઈ હતી. આ કામ પૂર્ણ કરવાની સમય મર્યાદા 18 મહિનાની હતી પરંતુ ગોકળગતિ એ કામ ચાલતા કામગીરી આજ દિન સુધી પૂર્ણ થઈ નથી.
આ પણ વાંચો: વડોદરા સ્ટેશન ખાતે ચાલી રહેલા કામને કારણે ઘણી ટ્રેનોને થશે અસર, આ છે યાદી
શરૂઆતથી જ આ કામગીરી ધીમી ગતિએ ચાલતા આસપાસના વિસ્તારના હજારો લોકોને પરેશાન થવાનો વારો આવ્યો છે. લોકો ને પાંચ કિલોમીટરનો ધક્કો ખાઈ ને આવન જાવન કરવી પડી રહી છે ત્યારે કોર્પોરેશન અને રેલવે વિભાગના સંકલનના અભાવે બ્રિજનું કામ વિલંબમાં પડ્યું છે. જોકે બ્રિજ પ્રોજેક્ટ ના અધિકારી રવિ પંડ્યા બુલેટ ટ્રેન ની કામગીરી અને રેલવેની વિવિધ મંજુરીમાં કારણે કામ લેટ થયું હોવાનું કહી રહ્યા છે. ત્યારે વહેલી તકે આ બ્રિજ ચાલુ થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે. બીજી તરફ અમદાવાદથી મુંબઈ સુધી બુલેટ ટ્રેનના પિલર થઈ ગયા પણ એક બ્રિજ વડોદરા કોર્પોરેશન નથી બનાવી શકતું તેવો નાગરિકો ટોણો મારી રહ્યા છે.