અમદાવાદ-મુંબઈ હાઇ-વે પર ફરી વખત 15 કિ.મી.નો ટ્રાફિકજામઃ વાહનચાલકોને હાલાકી

વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈ-વે પર આવેલા જાંબુવા બ્રિજ પર ફરી એકવાર 15 કિ.મી. લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. ટ્રાફિકજામના કારણે વાહનચાલકો પરેશાન થઈ ગયા હતા. ટ્રાફિકમાં એમ્બ્યુલન્સો પણ ફસાઇ ગઈ હતી. જાંબુવાથી લઇને પુનિયાદ સુધી વાહનોની લાંબી-લાંબી કતારો લાગી હતી. વારંવાર ખાડા પૂરવાની કામગીરી છતાં વરસાદને કારણે ફરી ખાડા પડી જતા હોવાથી આ સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવતું નથી, જેથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
સૂત્રોના કહેવા પ્રમાણે, દર વખતે ચોમાસામાં વાહનચાલકો પરેશાન થાય છે અને ટ્રાફિકજામમાં અટવાઈ જાય છે. કોઈને હોસ્પિટલ તો કોઈને મહત્ત્વનું કામ હોવાથી લોકો નીકળતા હોય છે પરંતુ, ટ્રાફિકજામના કારણે કોઈ સમયસર પહોંચી શકતું નથી. હાઇ-વે પર આવતી એમ્બ્યુલન્સો પણ કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાઈ હતી. જેના કારણે લોકોના જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા નજીક હાઇ-વે ઉપરનો જામ્બુવા બ્રિજ, પોર બ્રિજ અને બામણગામ બ્રિજ માથાના દુખાવા સમાન બન્યા છે. આ ત્રણેય બ્રિજ સાંકડા હોવાથી તથા તેના પરનો રસ્તો ખરાબ હોવાથી વાહનની ગતિ ધીમી પડી જાય છે. જેના કારણે હાઇ-વે પર વાહનોની લાંબી કતારો લાગી જાય છે.
આ પણ વાંચો…વડોદરા નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર ફરી ટ્રાફિકજામ સર્જાયો, 108 પણ ફસાઈ