Alert: વડોદરામાં હીંચકામાં ટાઈ ફસાતા દસ વર્ષના બાળકનું મોત

વડોદરા: વડોદરામાં બાળકના માતાપિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં ઘર બહાર હીંચકામાં રમતા 10 વર્ષના બાળકની ટાઇ હીંચકાના હુકમાં ફસાઈ જતા તેને ફાંસો લાગી ગયો હતો. ત્યારબાદ બાળકને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ બાળકને બચાવવામાં નિષ્ફળતા મળી હતી.
હીંચકામાં ટાઈ ફસાય જતાં થયું મૃત્યુ પ્રાપ્ત વિગતો અનુસાર, લક્કડપીઠા માર્ગ પર ગનુબકરીના ખાંચામાં રહેતા ધરમભાઇ પટેલનો ધો. 5 માં અભ્યાસ કરતો 10 વર્ષનો દીકરો ઘર બહાર હીંચકા પર રમતો હતો, ત્યારે તેની ટાઈ ફસાય જતાં ફાંસો લાગી ગયો હતો. તે સમયે તેમની બૂમ સાંભળીને પિતા ઘરની બહાર આવ્યા ત્યારે તેમના પુત્રને જમીન પર ફસડાઈ પડેલો જોયો હતો. તેને તાત્કાલિક માંજલપુરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જય તેનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
પોલીસે તપાસ હાથ ધરી નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એસ. અન્સારીએ જણાવ્યું હતું કે, “છોકરો હીંચકા પર સ્ટંટ કરી રહ્યો હતો. જો કે બાળકે જે ટાઈ પહેરી હતી, જે ઝૂલાના હુકમ ફસાઈ ગઈ અને તેને કારણે બાળક લટકી જતા તેને ફાંસો આવી ગયો હતો. જ્યારે તેના પિતાએ તેને બેભાન જોયો અને તરત જ તેને નીચે ઉતારીને હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. પોલીસે મૃતદેહને તેના માતા-પિતાને સોંપતા પહેલા તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
Also read:વડોદરામાં પીએમ મોદીએ યાદ કર્યા રતન ટાટાને અને…
લગ્નના ઘણાં વર્ષો બાદ થયો બાળકનો જન્મ આ ઘટના બાદ નવાપુરા પોલીસને જાણ કરવામાં આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બાળકનું મૃત્યુ ગળે ફાંસો લાગી જવાથી જ થયું છે. લગ્નના ઘણાં વર્ષો બાદ બાળકનો જન્મ થયો હતો. આથી બાળકના મૃત્યુના સમાચારથી પરિવારજનોમાં શોકનો માહોલ છે.