પંચમહાલઃ મોપેડ લઈને નોકરીએ જતાં બે યુવકોને કાર ચાલકે અડફેટે લેતાં ઘટના સ્થળે જ મોત | મુંબઈ સમાચાર

પંચમહાલઃ મોપેડ લઈને નોકરીએ જતાં બે યુવકોને કાર ચાલકે અડફેટે લેતાં ઘટના સ્થળે જ મોત

પંચમહાલઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. શનિવારે સવારે પંચમહાલના ગોધરામાં કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મોપેડ લઇને નોકરી જઇ રહેલા બે યુવકોને કાર ચાલકે અડફેટે લેતાં બંને યુવકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. અકસ્માતના પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ક્યાં બની ઘટના

પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના ગોધરામાં દાહોડ રોડ પર સ્વામિનારયણ મંદિર નજીક કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોપેડ પર સવાર બે યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. આ યુવકો ખાનગી કંપનીના ઓટોમોબાઇલ શોરૂમમાં કામ કરતા હતા. અકસ્માત સર્જાતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા.

અકસ્માતની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. મૃતકોમાં એક યુવાન ગોધરા અને એક યુવાન મોરવા હડફ તાલુકાના કુવાજર ગામનો હોવાનું જાણવા મળ્યું હતું.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button